જૂનાગઢના જીઆઇડીસી 2માં સુવિધાને નામે ઝીરો છે, છત્તાં બેવડા ટેક્ષનું ભારણ હોય વિકાસ રૂંધાઇ રહ્યો છે. ત્યારે ટેક્ષના બેવડા ભારણથી મુક્તિ અપાવવા માંગ કરાઇ છે. આ અંગે ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાલજીભાઇ માવાણીએ ધારાસભ્ય ભીખાભાઇ જોષીને પત્ર પાઠવ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, ગળાકાપ હરિફાઇ અને કોરોનાના કપરા કાળમાં ઉદ્યોગકારો પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. એવા સમયે ટેક્ષના ડબલ ભારણથી જૂનાગઢનો ઔદ્યોગિક વિકાસ રૂંધાઇ રહ્યો છે. મહાનગરપાલિકા રોડ, રસ્તા, ગટર, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, કચરાનો નિકાલ જેવી કોઇપણ જાતની પ્રાથમિક સુવિધા પુરી પાડતું નથી, છત્તાં ખુબજ ઉંચા દરે ટેક્ષ વસુલે છે!! જ્યારે પ્રાથમિક સુવિધાઓની જાળવણી, મરામત કે વિશેષ સવલતો માટે વસાહત મંડળની સંમતિમાંથી જે કંઇ ખર્ચ થાય છે તે જીઆઇડીસી કરે છે.
બાદમાં જે તે નાણાંકીય વર્ષમાં ખર્ચ થયો હોય તેના પછીના વર્ષમાં ઉદ્યોગકારો પાસેથી સર્વિસ ચાર્જના રૂપમાં વ્યાજ સહિત વસુલે છે. પરિણામે બેવડા ટેક્ષનું ભારણ વધી રહ્યું છે. વળી, જીઆઇડીસી 2ને નોટીફાઇડ એરિયા જાહેર કરવા અનેક વખત લેખીત રજૂઆતો કરવા છત્તાં નોટીફાઇડ એરીયાની જાહેરાત કરાયેલ નથી. ત્યારે મનપા દ્વારા સુવિધા આપ્યા વિના જે વેરા વસુલાય છે તે બંધ કરાવવા અને નોટીફાઇડ એરિયા જાહેર કરવા માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.