રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ગાંધીનગરની ગાદી મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે, બીજી તરફ અનેક જગ્યાએ પાયાની સુવિધાનો અભાવ હોવાથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જૂનાગઢના માળિયા તાલુકાના જંગર ગામ નજીક ચાર ડેમ હોવા છતાં ગામમાં 22 વર્ષથી પાણીની સમસ્યા છે. જેને લઇને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગામમાં કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં. તેવાં લખાણો દીવાલો પર ઠાલવીને આક્રોશ ઠાલવ્યો છે.
મતદાનનો સામૂહિક બહિષ્કાર
છેલ્લાં 22 વર્ષથી જંગર ગામલોકો સિંચાઈ પાણી માટે કેનાલની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આટલાં વર્ષો વીતવા છતાં જંગરની જમીન બંજર જ છે. જે કારણે જંગલ ગામના લોકોએ સામૂહિક મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે. ગામની અંદર 3000 વીઘાથી વધુ વાવેતર માટેની જમીન આવેલી છે, પરંતુ સિંચાઈ પાણી અને કેનાલ ન બનાવતા રવી પાક પણ લઈ શકાતો નથી. જેથી ગ્રામજનો રોષે ભરાયા છે.
એસ્ટિમેન્ટ થઈ ગયું હોવા છતાં કામગીરી શરૂ ન થઈ
આ અંગે ગ્રામજનોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેનાલના પ્રશ્નની રજૂઆત દરેક રાજકીય પક્ષોને કાને પહોંચાડી છે, લેખિતમાં પણ કરી છે. વર્ષ 2000થી જંગર ગામના લોકો દ્વારા લેખિતમાં ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરી છે. 2009માં આંબા કુઈ કેનાલ સિંચાઇ યોજના મંજૂર પણ થઈ ગઈ હતી, એસ્ટિમેન્ટ થઈ ગયું હોવા છતાં પણ કામગીરી શરૂ થઈ નથી અને 22 વર્ષથી જંગર ગામ લોકોએ સિંચાઈ કેનાલના માટે વિહોણું રહેવું પડ્યું છે.
ચાર ડેમ નજીક હોવા છતાં પાણી નહીં
જંગર ગામ નજીકથી જ હિરણ સિંચાઈ યોજના 2, લાશળી નાની સિંચાઇ યોજના, દેવગામ આંબા કુઈ ડેમ યોજના અને વ્રજમી ડેમ. આ ચાર ડેમો માત્ર 4 કિલોમીટરના અંતરે જ આવેલા છે. તેમજ ગામ નજીકથી જ દેવકા નદી વહે છે, છતાં શિયાળામાં પણ નદી કોરી ધાકોર જોવા મળે છે. જેથી 2000થી વધુ વસ્તી ધરાવતું જંગર ગામે આજે સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરી પાણી માટે પોકાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.