દિવ્યકાંત ભુવા
જૂનાગઢના પવિત્ર યાત્રાધામ તરીકે પ્રચલિત ગિરનાર ઉપર બિરાજતા માં અંબાજીના દર્શન માટે લોકોને કઠિન યાત્રા ન કરવી પડે તે માટે રોપ-વે બનાવ્યા પછી યાત્રિકોની સંખ્યામાં ખુબ વધારો થયો છે. મંદિરમાં માનવ મહેરામણ ઉમટે છે, પણ અહીં આવતા યાત્રિકો માટે પાયાની કોઈ સુવિધા જ નથી! પાણી અને ટોયલેટ બ્લોક ન હોવાના કારણે યાત્રિકોની પરેશાની વધી છે.
અહીં વ્યવસ્થા બધી ઉભી કરવામાં આવી છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે એ બધુંજ કરવા પાછળ રૂા.દોઢ કરોડ ખર્ચ્યા પહેલા એ વિચાર સરકારી બાબુઓ ને ન આવ્યો કે પાણી ક્યાંથી લાવીશું?ગિરનાર અંબાજી મંદિર પરિસરમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે રૂા 1 કરોડના ખર્ચે ટોયલેટ બ્લોક બનાવામાં આવ્યા એ પછી પાણી પહોંચાડવા માટે સોલાર પેનલનો 25 વોટનો પ્લાન્ટ મુકવામાં આવ્યો પણ હવે પાણી ક્યાંથી લાવવું એ કોઈને સમજ પડતી નથી! પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય શૈલેષભાઇ દવેએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લી બેઠકમાં અમે તમામ સભ્યોએ લોકોની પાયાની આ જરૂરિયાત અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે અને આ મામલે તાત્કાલિક કોઈ નિર્ણય કરવામાં આવે તેવી માગણી છે.
ગિરનાર પર્વત ઉપર જૂનાગઢ કરતા વધારે વરસાદ પડે છે.પણ અહીં પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. જયારે પ્રવાસીઓ માટે રોપ-વે કરવામાં આવ્યો ત્યારે પાણીના મામલે પણ ચર્ચા થઇ હતી. આ પછી સરકારે પ્રવાસીઓના હિત માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવા છુટા હાથે નાણાં આપ્યા અને સરકારી બાબુઓએ ટોયલેટની વ્યવસ્થા માટે રૂા. 1 કરોડ જેટલો ખર્ચ કરીને બ્લોકનું નિર્માણ કર્યું. એ પછી લાઈટની સમસ્યા હતી કે પાણીની મોટર ચલાવવી હોય તો પાવર પૂરતો મળતો નથી. એટલે રૂા. 40 થી 50 લાખનો ખર્ચ કરીને સોલાર પ્લાન્ટ ગોઠવી દેવાયો! સૌથી છેલ્લે યાદ આવ્યું કે આ બધું તો ઠીક છે પણ પાણી ક્યાં? એ પ્રશ્ન ઉઠતા જ બાબુઓ ગુમ થઇ ગયા છે.
માત્ર પાણી નથી એટલે છેલ્લા દોઢ વર્ષથી આ સુવિધાઓ પ્રવાસીઓને મળતી નથી. પ્રવાસીઓને પીવાનું પાણી આપવું અને ટોયલેટ બ્લોક તેમજ ત્યાં પાણીની વ્યવસ્થા કરવી એ જવાબદારી કોની? એ આજ સુધી નક્કી ન થયું એવું નથી, આ જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડની જ છે. પણ ઉચ્ચ હોદાઓ ભોગવતા અને એસીમાં બેસીને દેશી લોકો પણ ન કરે એવી ભૂલો કરતા અધિકારીઓ એ જગ્યાએ ગોથું ખાઈ ગયા કે પહેલા પાણી ક્યાંથી લાવવું એ નક્કી ન કર્યું અને હવે યાત્રિકો પાણી... પાણી ... કરે છે.
પવિત્ર યાત્રાધામ સમિતિએ આ સરકારી બાબુઓ સામે નાણાંને વેડફી નાખવા બદલ ફરિયાદ કરવી જોઈએ
ગિરનાર ઉપર આવતા યાત્રિકો માટે પાણી-ટોયલેટ બ્લોક જેવી પાયાની સુવિધા માટે સરકારે અઢળક નાણાં આપ્યા. પછી કંઈજ વિચાર્યા વગર આવી રીતે રૂા. દોઢ કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાખી. ત્યારે દોઢ કરોડનું આંધણ કર્યા બાદ પણ સુવિધા આપવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે સરકારને બદનામ કરવાના હેતુથી કરાયેલા વગર વિચાર્યા કામની ફરિયાદ યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્યોએ જ કરવી જોઈએ તેવું જનતાનું કહેવું છે.

Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.