રજૂઆત:20 વર્ષે પણ મનપા એનીમલ બર્થ કન્ટ્રોલની અમલવારી કરાવી ન શક્યું

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં શ્વાન કોઇને ફાડી ખાશે તો જવાબદારી કમિશ્નર, મેયરની
  • સત્વરે યોગ્ય કરવા વિપક્ષી નેતાની સીએમને રજૂઆત

જૂનાગઢ શહેરમાં કુતરાનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે તેમ છત્તાં તેની સામે કામગીરી કરવામાં મનાપાએ ભેદી મૌન ધારણ કરી લેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વિપક્ષી નેતા અદ્રેમાનભાઇ પંજા,વોર્ડ નંબર 8ના કોર્પોરેટર સેનીલાબેન થઇમ, જેબીનનીશાબેન કાદરીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, અનીમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સનું 2001માં નોટીફિકેશન બહાર પડ્યું છે.

ત્યારે 20 વર્ષ પછી પણ જૂનાગઢ મનપા તેની અમલવારી કરાવી શક્યું નથી! શહેરમાં કુતરાનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. નાના બાળકો, વૃદ્ધો, અશક્તો, મહિલાઓ, ટુવ્હિલ ચાલકોને કુતરા બચકાં ભરી લોહી લુહાણ કરી નાંખે છે. આ અંગે મનપામાં રજૂઆત કરતા એવા જવાબ આપવામાં આવે છે કે, સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન છે કે, કુતરાને પકડવા કે મારવા નહિ.

જ્યારે કુતરાને મારવાની વાત નથી પરંતુ ખસીકરણ તો કરી શકાય ને ? અગાઉ જનરલ બોર્ડમાં પણ કુતરાને પકડવામાં આવશે તેવું જણાવાયું હતું પરંતુ હજુ સુધી કામગીરી કરાઇ નથી. ત્યારે હવે કોઇને કુતરા ફાડી ખાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કમિશ્નર અને મેયરની રહેશે તેમ જણાવાયું છે.