ડીઝલ એન્જિનનો અંત!:જૂનાગઢમાં ટ્રેન શરૂ થયાનાં 133 વર્ષ પછી સોમનાથ-રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ, માલસામાન પણ આવવા લાગ્યો, અંદાજે દોઢથી બે વર્ષમાં કામગીરી પૂર્ણ થતાં ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે

જૂનાગઢમાં ટ્રેન શરૂ થયાના 133 વર્ષ પછી ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાની તજવીજ હાથ ધરાઇ છે. આમ, ડીઝલ એન્જિનના અંતનો આરંભ થઈ ગયો છે. હાલ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને જરૂરી માલસામાન પણ આવવા લાગ્યો છે. અંદાજે દોઢથી બે વર્ષમાં કામગીરી પૂર્ણ થતાં સોમનાથ-રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે.

આ અંગે જૂનાગઢ રેલવેના મેેનેજર પ્રફુલ્લભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે જૂનાગઢમાં શરૂઆતમાં કોલસાથી ટ્રેન દોડતી હતી. બાદમાં ડીઝલ એન્જિન વડે ટ્રેનો ચાલુ કરાઇ હતી, જે હજુ પણ ચાલુ જ છે. દરમિયાન હવે ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવાની તજવીજ હાથ ધરાઇ છે. આ માટે રેલવે વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે. હાલ ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે જરૂરી એવા સામાન પણ આવવા લાગ્યો છે. ટૂંક સમયમાં આ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. દરમિયાન હાલના સંજોગો મુજબ દોઢથી બે વર્ષ સુધી કામગીરી ચાલશે.

જૂનાગઢમાં સૌપ્રથમ 19 જાન્યુઆરી 1888માં ટ્રેન આવી હતી. ટ્રેનના સ્વાગત માટે રેલવે સ્ટેશન ખાતે વિશાળ સમિયાણો બંધાયો હતો. અહીં નવાબ બહાદુરખાન ત્રીજા, શાહજાદા એદલખાનજી, વઝીર બહાઉદ્દીનભાઇ, કેપ્ટન કેનેડી, દીવાન હરિદાસ વિહારીદાસ વગેરેની ઉપસ્થિતિ રહી હતી. દરમિયાન વૃક્ષપાન અને વાવટાથી સુશોભિત એન્જિન અને શણગારેલી ટ્રેન આવતાં ખુશીના અવાજો વચ્ચે સૌએ ટ્રેનમાં વડાલ તરફ પ્રયાણ કર્યું હતું.

બાદમાં ટ્રેન પરત ફરતા લશ્કર, ઘોડેસવાર અને બેન્ડ દ્વારા સલામી આપવામાં આવી હતી. ખુશીના આ પ્રસંગે રેલવેના મજૂરો અને ગરીબોને ઇનામો વહેંચવામાં આવ્યાં હતાં (પરિમલ રૂપાણી લિખિત નરસૈયાની નગરી જૂનાગઢ, જાજરમાન સોરઠમાંથી સાભાર પ્રસ્તુત).

ઇલેકટ્રિક ટ્રેન ઝડપથી રાજકોટ પહોંચાડશે
સામાન્ય રીતે ડીઝલ એન્જિન કરતાં ઇલેક્ટ્રિક એન્જિનની ગતિ પકડવાની ઝડપ વધારે હોય છે. ઇલેક્ટ્રિક એન્જિન થોડી જ સેકન્ડમાં 0થી 60 કિમીની સ્પીડ પકડી લે છે. પરિણામે, ઝડપથી પહોંચી શકાશે. હાલ ડીઝલ એન્જિનની ટ્રેન દ્વારા જૂનાગઢથી રાજકોટ પોણાબે કલાકે પહોંચાય છે, જે ઇલેક્ટ્રિક ટ્રેનમાં સવા કલાકમાં પહોંચી શકાશે. જોકે એમ છત્તાં લોડ, પાટાની સ્થિતિ, ઇન્ટર લોકિંગ સિસ્ટમ વગેરેને કારણે સમયમાં થોડો વધારો-ઘટાડો થઈ શકે છે.

કોલસા, ડીઝલ બાદ ઇલેક્ટ્રિક ટ્રેન તરફ ગતિ
જૂનાગઢમાં 1888માં ટ્રેન શરૂ થઇ હતી. આ ટ્રેન કોલસાથી ચાલતી હતી. છેક 1996 સુધી એટલે કે 108 વર્ષ સુધી કોલસાથી ટ્રેન દોડી હતી. 1996 બાદ ડીઝલ એન્જિન આવ્યાં. હાલ પણ ડીઝલ એન્જિનથી ટ્રેન દોડી રહી છે, જેને 25 વર્ષ થયાં છે. હજુ પણ અંદાજે દોઢથી બે વર્ષ ડીઝલ એન્જિનથી ટ્રેન દોડશે બાદમાં ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે.

રેલવે વધુ 3 ટ્રેન શરૂ કરશે
પશ્વિમ રેલવે વધુ 3 ટ્રેન દોડાવશે. 16 ઓગસ્ટના રાજકોટ-સોમનાથ-રાજકોટ ડેઇલી પેસેન્જર ટ્રેન દોડશે તેમજ 17 ઓગસ્ટથી સોમનાથ-રાજકોટ-સોમનાથ દૈનિક પેસેન્જર ટ્રેન દોડશે. આ ટ્રેન અપડાઉન કરનારા માટે લાભદાયી બનશે. જૂનાગઢથી આ ટ્રેન સવારે 6:37 વાગ્યે રાજકોટ જશે, જ્યારે રાજકોટથી સાંજના 6:05 વાગ્યે ઊપડી રાત્રિના 8:16 વાગ્યે જૂનાગઢ આવશે. આ ઉપરાંત પોરબંદર- કાનાલુસ-પોરબંદર દૈનિક ટ્રેન તેમજ દેલવાડા-વેરાવળ-દેલવાડા મીટર ગેજ ટ્રેન પણ શરૂ થશે.

ડીઝલ, ઇલેક્ટ્રિક ટ્રેનની સ્પીડ
ડીઝલ એન્જિનથી દોડતી ટ્રેનની સ્પીડ 100થી 120 કિમી પ્રતિ કલાકની હોય છે. હાલ 100થી 110ની સ્પીડે ટ્રેન દોડી રહી છે, જ્યારે ઇલેક્ટ્રિક ટ્રેનની સ્પીડ 130થી 160 સુધીની હોય છે.

190 કિમીનું કામ કરાશે
સોમનાથથી રાજકોટ સુધી ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે કુલ 190 કિમીમાં જરૂરી કામગીરી કરવામાં આવશે.