ભવ્ય સ્વાગત:કરણી સેનાની એકતા યાત્રાનું વેરાવળ-સોમનાથ શહેરમાં ભવ્ય સ્વાગત કરાયુ

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોડીયા શહેરના 10 કિ.મી માર્ગ પર યાત્રાનું જૂદા જૂદા સમાજો અને સંસ્થાઓએ ફુલહારથી સ્વાગત કર્યુ

કચ્છના પ્રખ્યાત આશાપુરા માતાજીના મઢ ખાતેથી તા.1 લી મેના રોજ પ્રારંભ થયેલી ક્ષત્રિય સમાજની કરણી સેનાની એકતા યાત્રા રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં ફરી ગતરાત્રીના જગવિખ્યાત સોમનાથ સાનિધ્યે આવી પહોચી હતી. આ યાત્રામાં કરણી રથમાં સ્થાપિત જ્યોતનું શહેરના આગેવાનો, ક્ષત્રિય સહિતના તમામ સમાજો, સંસ્થાઓના પ્રતિનિધિઓએ પૂજન કરીને યાત્રામાં સામેલ આગેવાનોના હારતોરા કરી સ્વાગત કર્યુ હતુ. યાત્રાનું સોમનાથ મહાદેવના દર્શન કરી ઉપરાંત ક્ષત્રીયવીર હમીરજી ગોહિલ અને વેગદાજી ભીલને પુષ્પાંજલી કરી સમાપન થયુ હતુ.

છેલ્લા પંદર દિવસ રાજ્યના 15 થી વધુ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે કરણી સેનાની એકતા યાત્રા ફર્યા બાદ ગતરાત્રીના યાત્રાધામ વેરાવળ- સોમનાથ પહોંચી હતી. આ યાત્રાનું જોડીયા શહેરના પ્રવેશદ્વારથી લઈને સોમનાથ સુધીના 10 કીમીના માર્ગમાં ઠેર ઠેર ક્ષત્રિય, ખારવા, કોળી, રબારી સહિતના તમામ સમાજોના આગેવાનો દ્વારા પરંપરા મુજબ પાઘડી અને સાફાઓ પહેરી યાત્રાનું સ્વાગત કરાયુ હતુ. આ ઉપરાંત રાજકીય પક્ષો, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ.

આ યાત્રા સોમનાથ ખાતે પહોંચ્યા બાદ કરણી સેના અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પ્રથમ સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી આ સાથે પરિસરમાં વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલને ડેરીએ પુષ્પાંજલિ આપી નમન કર્યા હતા. ક્ષત્રીયવીર એવા હમીરજી ગોહિલની પ્રતીમાને સાફો પાઘડી પહેરાવી ત્યારબાદ આગેવાનો દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પાઘડી અર્પણ કરીને સમગ્ર દેશ અને રાજ્યની સુખ શાંતિ અને કલ્યાણની મનોકામના કરી હતી.

આ સાથે સૌ સમાજો સંગઠીત બનીને દેશહિત માટે એક બને તેવી ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરી હતી. પંદર દિવસ સુધી ફર્યા બાદ સોમનાથ સાનિધ્યે યાત્રાની સમાપન થયુ હતુ. આ યાત્રાનું જિલ્લા કરણી સેનાના વિક્રમસિંહ રાઠોડ, ક્ષત્રિય સમાજના શિવરાજસિંહ ઝાલા, અજયસિંહ જાડેજા, ભાજપના ઝવેરીભાઈ ઠકરાર, દેવાભાઈ ધારેચા, કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...