નવા વર્ષથી નવી શરૂઆત:ભવનાથમાં ક્યારેય ઇંડા, માંસ, મચ્છી વેંચી નહિ શકાય

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ કમિટીએ આખા વિસ્તારને વેજઝોન જાહેર કરવા સંતોની માંગણીને લઇ ઠરાવ કર્યો
  • ​​​​​​​​​​​​​​40 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપી, સરદાર પટેલ ગેઇટ, મજેવડી ગેઇટ ભાડે અપાયા

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેકવિધ વિકાસના કામો મંજૂર કરાયા હતા. સાથે ભવનાથને વેજઝોન જાહેર કરવા ઠરાવ કરાયો હતો. આ અંગે મળતી વિગત મુજબ સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પણસારાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ભવનાથ ક્ષેત્રને વેજઝોન જાહેર કરવા નિર્ણય કરાયો હતો. ખાસ કરીને ભવનાથ ક્ષેત્રના સાધુ, સંતોની માંગણીને લઇ આ નિર્ણય કરાયો છે.

પરિણામે હવે ભવનાથમાં ક્યારેય ઇંડા, માંસ,મચ્છી, વેંચી નહિ શકાય. હવે આ ઠરાવ થયેલી ભવનાથ ક્ષેત્ર વેજઝોન ઘોષિત કરવા સરકારમાં ભલામણ સાથે દરખાસ્ત કરવામાં આવશે. આ નિર્ણયથી ભવનાથ ક્ષેત્રમાં હિંદુ સંસ્કૃતિની જાળવણી થશે અને ગિરનાર પર્વત અને ભવનાથની દિવ્યતા વધુ ઉજાગર થશે. જ્યારે કુલ 40 કરોડના વિકાસ કામોને લીલીઝંડી અપાઇ છે. આ ઉપરાંત શહેરના સરદાર પટેલ ગેઇટ અને મજેવડી ગેઇટને માસિક ભાડેથી આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે.

આ ગેઇટ ભાડે આપવા બીજો પ્રયત્ન કરાયો હતો ત્યારે સવાણી હેરીટેઇઝ કન્ટ્રકશને સરદાર પટેલ ગેઇટ માસિક 5,310ના ભાડાથી અને સવાણી હેરીટેઇઝ કન્ઝર્વેશન પ્રા.લી.ને મજેવડી ગેઇટ માસિક 2,060ના ભાડાથી આપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. પરિણામે શહેરમાં આવતા પ્રવાસીઓને વધુ આકર્ષણ અને સુવિધાઓ મળી શકશે.

અન્ય વિકાસના કામો
લીલી પરિક્રમામાં મંડપ, લાઇટ, માઇક, સાઉન્ડ, હોર્ડિંગ્સ માટે 20 લાખ, શહેરનો સુકો ભીનો કચરો વૈજ્ઞાનિક ઢબે અલગ કરવાના પ્લાન્ટ માટે 5,77,19,000, શહેરમાં મુખ્ય માર્ગો રિસર્ફેસિંગ, પેવર બ્લોક, ડામર રોડ, ગટર સહિતના કામો માટેના 41 ટેન્ડરના કામો માટે 28,74,50,000, નરસિંહ સરોવરમાં ભળતા ગંદા પાણીને અલગ કરવાના પ્લાન્ટ માટે 5,14,00,000, વોટર વર્કસ શાખાના વિવિધ કામો માટે 43,74,500ની રકમના કામોની દરખાસ્તને મંજૂરી અપાઇ છે. ફિક્સ વેતનમાં કામ કરતા 49 કર્મચારીની મુદ્દતમાં 6 માસનો વધારો કરવા, દિવાળીના તહેવારોને લઇ પ્રવાસીની ભીડ રહેતી હોય ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક અને રાજીવ ગાંધી પાર્કની જાળવણીની એજન્સીની મુદત્તમાં 4 માસનો વધારો કરવા, રખડતા પશુ પકડવા ગૌવંશ દિઠ 190 રૂપિયાના ટેન્ડરને મંજૂરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...