પરિક્રમાનો ગેટ ખુલવાની વાટ:વહેલા આવેલા ભાવિકોને પરિક્રમા રૂટ પરથી પાછા કાઢ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઇપણ રીતે ગેઇટ વટાવીને પરિક્રમા માર્ગ પર પ્રવેશી ગયેલા ભાવિકોને રૂટ પરથીજ વનવિભાગે પાછા વાળ્યા હતા. - Divya Bhaskar
કોઇપણ રીતે ગેઇટ વટાવીને પરિક્રમા માર્ગ પર પ્રવેશી ગયેલા ભાવિકોને રૂટ પરથીજ વનવિભાગે પાછા વાળ્યા હતા.
  • વ્હેલી શરૂ થતી હોવાના અગાઉના અનુભવને ધ્યાને રાખી 2500 થી વધુ ભાવિકોને પરિક્રમાનો ગેટ ખુલવાની વાટ
  • કેટલાકને ગેટ પરથીજ પાછા મોકલાતાં ભવનાથના આશ્રમોમાં મુકામ કર્યો, તો કેટલાક પરબ-સત્તાધાર ગયા

ગીરનારની લીલી પરિક્રમા સત્તાવાર રીતે તા. 4 નવે. 2022 ની મધરાત એટલેકે, દેવ ઉઠી એકાદશીથી પૂનમ સુધી યોજાતી હોય છે. પણ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી ભીડથી બચવા અસંખ્ય ભાવિકો વર્ષોથી 3-4 દિવસ અગાઉથી પરિક્રમા પૂરી કરીને પરત જતા રહેતા હોય છે. આવા પરિક્રમાર્થીઓ આજથી ભવનાથ તળેટી પહોંચી ગયા હતા. જોકે, તેઓને પરિક્રમા માટે વનવિભાગના ગેટથી પરત મોકલાયા હતા. તો કોઇપણ રીતે ગેઇટ વટાવીને પરિક્રમા માર્ગ પર પ્રવેશી ગયેલા ભાવિકોને રૂટ પરથીજ વનવિભાગે પાછા વાળ્યા હતા.

આવા અનેક ભાવિકો ભવનાથ પરત આવી ગયા હતા. અને તેઓએ આશ્રમો અથવા ઉતારાઓમાં મુકામ કર્યો છે. ભવનાથમાં આજે આવા અંદાજે 2500 થી વધુ લોકો આવી પહોંચ્યા છે. તો કેટલાય ભાવિકો એવા છેકે, પરિક્રમાને હજુ 3 દિવસની વાર હોવાથી ગીરનાર, પરબ, સત્તાધાર, સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ દર્શને જઇ રહ્યા છે. આવા ભાવિકોથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને જૂનાગઢના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી ગઇ છે.

અમે પહેલીવાર આવ્યા અને ખબર પડી કે નહીં જવા દે
અમે ભાયાવદરમાં મજૂરી કામે આવ્યા છીએ. અને 4 લોકોનું ગૃપ પહેલીજ વખત ગીરનારની પરિક્રમામાં આવ્યા છીએ. અમને એમકે, દર વખતે લોકો વહેલી પરિક્રમા કરીને ભીડથી બચતા હોય છે. એટલે વહેલા આવી ગયા. અત્યારે અન્નક્ષેત્રો શરૂ ન થયા હોય એટલે સાથે રોટલી અને બીજો નાસ્તો લઇને આવ્યા છીએ. પણ હવે પરિક્રમા રૂટ પર પ્રવેશવા નહીં દે એટલે અહીં ક્યાંક રોકાઇ જઇશું. - કરમશીભાઇ ડામોર, ભાયાવદર

​​​​​​​

બધા પાંચમથી પરિક્રમા શરૂ કરી દેતા હોય છે એટલે આવ્યા
​​​​​​​અમને 1 નવે.થી પરિક્રમામાં જવા દેશે એવોજ ખ્યાલ હતો. પરિક્રમામાં ભલે પહેલીવાર આવ્યા પણ બધા કહેતા હોય કે, પાંચમથી અંદર જવા દે છે એટલે આવ્યા. બધા અખબાર ન વાંચતા હોય. અને વૃદ્ધો સોશ્યલ મીડિયા ન જોતા હોય એટલે કોઇને તારીખની ખબર ન પડે.. જો આવું હોય તો અહીં બોર્ડ મારી દેવા જોઇએ. અથવા ગેટ પર પોલીસ બેસાડી દેવી જોઇએ. જેથી લોકો અહીંથીજ આગળ ન જાય. - હાર્દિકભાઇ શીંગાળા, સુરત

પ્રવેશ માટેનો નિર્ણય વહિવટી તંત્ર લેશે
પરિક્રમા માર્ગ પર પ્રવેશ ક્યારથી આપવો તેનો નિર્ણય વહિવટી તંત્ર લેશે. અને ત્યારબાદ જ ભાવિકોને પરિક્રમા માર્ગ પર પ્રવેશ અપાશે. અત્યારે 4 નવે.ની રાત્રેજ પ્રવેશ આપવાની વાત છે.

ભીડ એકઠી ન થાય એટલે વહેલો પ્રવેશ અપાય છે
દર વખતે પરિક્રમા શરૂ થવાના સત્તાવાર દિવસ પહેલાંજ લાખ્ખો ભાવિકો પરિક્રમા પૂરી કરીને પરત ફરી ગયા હોય છે. જો બધાને અગીયારસની રાત્રેજ પ્રવેશ અપાય તો પૂનમ સુધીના દિવસોમાં જંગલમાં વિકટ માર્ગો પર ભારે ભીડ થઇ જવાની શક્યતા હોય વહેલો પ્રવેશ આપી દેવાતો હોય છે. એમ પણ જાણકારોનું કહેવું છે.

નહીં જવા દે તો આશ્રમમાં રોકાઇ જઇશું
​​​​​​​અમે તો આ પાંચમી વખત ગીરનારની પરિક્રમામાં આવ્યા છીએ. અને ઝીણાબાવાની મઢી, સરકડિયા હનુમાન, બોરદેવીમાં રાતવાસો કરતાં કરતાં 3 દિવસે પરિક્રમા પૂરી કરીએ છીએ. અત્યારે બધા કહે છે કે, ગેટ બંધ છે અને નથી જવા દેતા. તો અમે ત્યાં જઇને વિનંતી કરીશું. જો જવા દેશે તો ઠીક બાકી અહીં ક્યાંક આશ્રમમાં રોકાવાની વ્યવસ્થા કરી લઇશું. - સાધુ રોહિતકુમાર ઘનશ્યામદાસ, શીલજ, અમદાવાદ

​​​​​​​વૈજ્ઞાનિક રીતે જોઇએ તો આ ફિલ્ટર એરિયા છે
અમે તો ભારતીય સંસ્કૃતિનો આ ભાગ છે એટલે પરિક્રમામાં આવીએ છીએ. આની પાછળનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ડુંગરમાં ચાલીએ એટલે ફેફસાં વધુ ઓક્સિજન ખેંચે. એમાં જંગલની વનસ્પતિની સુગંધ ભળે એટલે આખા શરીરના દોષોનો નાશ થાય. ગીરનારનું જંગલ એક ફિલ્ટર એરિયા છે. પણ લોકોને સ્વચ્છતા નથી રાખવી. અમેરિકાની કંપનીનો મોબાઇલ વાપરવો છે. પણ ત્યાંના લોકો જેવી સ્વચ્છતા નથી રાખવી. એટલે અમારે વ્હેલા આવવું પડે છે. કારણકે, પાછળથી બધા લોકો ગંદકી બહુ ફેલાવે છે. એમ અમદાવાદના રોહિતકુમાર ઘનશ્યામદાસે વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...