મન્ડે પોઝિટિવ:પહેલા હેકટરે 50થી 60 મણ, હવે 70થી 80 મણ મગફળી થાય છે

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક ખેતી થકી બહાઉદીન કોલેજના વિદ્યાર્થીએ મગફળીનું વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું
  • વિદ્યાથીએ પોતાની ટેક્નિકથી પ્રોજેટ તૈયાર કર્યો, હવે પેટન્ટ માટે મુકશે

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તો આવનારા સમયમાં રાસાયણિક ખાતરો મુક્ત ખેતી સાથે લોકોને આરોગ્યપ્રદ અનાજ અને કઠોળ મળી રહે. જોકે, સોરઠના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, પરંતુ કૃષિ ઉપજના ઉત્પાદનમાં ઘટાડાના ભયથી ખેડૂતો ડરી રહ્યા છે. ત્યારે જૂનાગઢની બહાઉદિન આર્ટસ કોલેજના વિદ્યાર્થીએ પોતાના ખેતરમાં પ્રયોગાત્મક રીતે મગફળીનું વાવેતર કરી ખૂબ સારું ઉત્પાદન મેળવ્યું છે.તેનો લાભ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળે એ માટે પોતાની ટેક્નિકની પેટન્ટ કરાવી એ મુજબ ખેડૂતોને પોતાના સંશોધનો લાભ આપવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ચાલતા ssip પ્રોજેક્ટ અંતર્ગત બહાઉદીન આર્ટસ કોલેજના વિદ્યાર્થી પ્રતાપ ઓડેદરાએ એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તેમાં બહાઉદીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ પી.વી.બારસિયા, મનોવિજ્ઞાન વિભાગના પ્રો.ભરત જોશી તેમજ ડો.ભાવના ઠુંમરના સહકાર મળ્યો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરતા આ પ્રોજેક્ટમાં જીવામૃત અને ગૌમુત્રની મદદથી જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય તે અંગેનું મોડેલ બનાવ્યું છે. જેની ssip પ્રપોઝલ તરીકે મુકવાની તમામ તૈયારીઓ થઈ ગયેલ છે.

વર્તમાન સમયમાં વધતા જતા રોગો જેનું એક કારણ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ,રાસાયણિક ખાતરો પણ છે. ખાતરના ઉપયોગથી ખેતી ખુબ ખર્ચાળ થઈ ગઇ છે. આ જોતા વિદ્યાર્થીને વિચાર આવ્યો કે ગાયોના ગોમૂત્ર, છાણ અને વનસ્પતિઓના પર્ણો વગેરના ઉપયોગથી ઓછા ખર્ચે, ઝેરમુક્ત ખેતી થઈ શકે છે. એટલે વિદ્યાર્થીએ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો અને પોતાના જ ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી છે. અગાઉ ખેતરમાં હેકટરદીઠ 50 થી 60 મણ મગફળી થતી જ્યારે આ પ્રોજેક્ટના ઇમ્પ્રુવમેન્ટથી વર્તમાનમાં હેકટર દીઠ 70 થી 80 મણ જેટલી મગફળીનો ઉતારો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...