અહલાદયક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ:ગીરમાં પડેલા ભારે વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ- સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી, જિલ્લાનો પ્રખ્યાત જમજીર ધોધનો અદભૂત નજારો જોવા મળ્યો

વેરાવળએક મહિનો પહેલા
જમજીર ધોધનો ડ્રોનની નજરે અદભુત નજારો
  • જમજીર ધોધ પ્રખ્યાત હોવાની સાથે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર
  • ધોધના પાણીના પ્રવાહનો અવાજ અને તેની સુંદરતા જોવા મળી

ગીર સોમનાથ જિલ્લામાં અઠવાડીયાથી મેઘ મહેર ચાલી રહી છે. ત્યારે ગીર જંગલ અને જિલ્લામાં કુદરતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લાના ગીરગઢડા તાલુકામાં મધ્ય ગીર નજીક આવેલા પ્રખ્યાત જમજીરના ધોધમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે. જમજીર ધોધના પાણીના પ્રવાહનો અવાજ અને તેની સુંદરતા મનમોહકતા જોવા મળી હતી. ધોધના અહલાદાયક દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવતા તેમાં ધોધમાંથી ધસમસતા પાણી અને આસપાસનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયાનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જેનો લ્હાવો પંથકવાસીઓ લઈ રહ્યા છે.

જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગ

જંગલ વિસ્તાર નજીક આવેલા જમજીર ધોધ પ્રખ્યાત હોવાની સાથે પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર હોવાથી દુર દુરથી પ્રવાસીઓ ખાસ જમજીર ધોધ જોવા પહોંચે છે. ખાસ કરીને ચોમાસાની સીઝન બાદ પ્રવાસીઓ અચૂક ધોધ જોવા જતા હોય છે. જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. જેને લઈ સરકાર અને તંત્ર દ્વારા વાતો પણ થઈ રહી છે. જોકે, આ બધું સરકારી કાગળ પર જ થઈ રહ્યું હોવાથી જમજીર ધોધને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા ફરી સ્થાનીકોમાં માંગ ઉઠી છે.

ઘોઘમાંથી ઘસમસતા વહેતા વરસાદી પાણીનો નજારો
ઘોઘમાંથી ઘસમસતા વહેતા વરસાદી પાણીનો નજારો

થોડા દિવસો પહેલા નદી-નાળા સુકાવવાના આરે પહોંચી ગયા હતા

અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો હોવાથી ગીર જંગલ અને સમગ્ર જિલ્લામાં નદી-નાળાઓ સુકાઈ ગયા હતા. આ દરમ્યાન છેલ્લા અઠવાડિયામાં થયેલા મેઘમહેરના પગલે જંગલ વિસ્તાર અને જિલ્લાના નદી- નાળાઓમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતા ફરી તમામ નદી-નાળાઓ જીવંત બની ગયા છે. જેના લીધે કુદરતી પ્રકૃતિ-સૌંદર્ય સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...