ધરપકડ:બે વખત હત્યા કરનારને 5.50 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઘૂસાડવું 'તું, LCBએ જૂનાગઢના મજેવડી ગેઇટ પાસેથી ઝડપી લીધો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં અગાઉ બે વખત હત્યાના ગુના આચરનાર શખ્સ મેફેડ્રોન નામનું ડ્રગ્ઝ ઘૂસાડતાં પોલીસના હાથમાં આવી ગયો હતો. પકડાયેલા શખ્સ પાસેથી રૂ. 5.50 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. જૂનાગઢમાં ધરારનગરના હનુમાન ચોક નજીક રામાપીરવાળી ગલીમાં રહેતો સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઇ રાઠોડ (ઉ. 32) નામનો શખ્સ ગઇકાલ તા. 31 મે 2022 ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ ડ્રગ્સ સાથે શહેરમાં પ્રવેશવાનો હોવાની બાતમી એલસીબીને મળી હતી.

આથી એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટીએ પીએસઆઇ બડવા અને સ્ટાફને મજેવડી ગેઇટ પાસે વોચમાં ગોઠવી દીધો હતો. અને મજેવડી ગેઇટથી સીવીલ હોસ્પિટલ જવાના રસ્તે બાઇક પર પસાર થતા સાગરને રોકી તેની તલાશી લેતાં તેની પાસેથી રૂ. 5.50 લાખની કિંમતનું 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્ઝ મળી આવ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી હતી. પકડાયેલો શખ્સ અગાઉ હત્યાના 2 સહિત કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...