જીવલેણ હુમલો:વેરાવળમાં ચા પીવા એસ.ટી. કેન્‍ટીનમાં ગયેલા લેબ ટેકનીશ્‍યન અને તેના મિત્ર ઉપર બે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં ઘાયલ લેબ ટેકનીશ્‍યનને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ લઇ જવામાં આવ્‍યો
  • પોલીસે ગુનો નોંઘી ગણતરીના કલાકોમાં જ બંન્‍ને આરોપીઓને ઝડપી લીઘા

વેરાવળમાં રાત્રીના એસટી બસ સ્‍ટેશનના કેન્‍ટીનમાં ચા પીવા ગયેલા લેબ ટેકનીશયન અને તેના મિત્રને કોઇપણ કારણ ગાળો આપી રહેલા બે શખ્‍સોને ગાળો ન આપવાનું કહેતા છરી તથા હથીયાર વડે જીવલેણ હુમલો કરતા ચકચાર પ્રસરી ગઇ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એકને રાજકોટ અને એકની અત્રેની હોસ્‍પીટલમાં સારવા અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બંન્‍ને આરોપીઓને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેરાવળમાં રહેતા લેબટેકનીશયન હર્ષ પટેલીયા અને તેનો મિત્ર રવિ ચૌહાણ ગતરાત્રીના દોઢેક વાગ્‍યે લેબોરેટરીનું કામ પતાવીને ચા પીવા અર્થે એસટી બસ સ્‍ટેશનના કેન્‍ટીનમાં ગયા હતા. તે સમયે ત્‍યાંથી બહાર નિકળી રહેલા ઉદય કુહાડા અને હિતેષ સીંઘી નામના બે શખ્‍સો હર્ષ અને રવિને કોઇપણ કારણ વગર ગાળો આપવા લાગેલ હતા. જે બોલાવની ના પાડતા બંન્‍ને શખ્‍સોએ ઉશ્‍કેરાઇ જઇ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જેમાં ઉદયએ છરી વડે હુમલો કરી હર્ષના ગાલ, કપાળ અને કાન પાસે ઘા માર્યા હતા. જ્યારે હિતેષએ કોઇ હથીયાર વડે જમણા પગ અને હાથમાં ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બાદ રવિ ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ સમયે દેકારો થતા બંન્‍ને કુખ્‍યાત શખ્‍સો નાસી ગયા હતા અને જતા જતા આજે તો તમી બચી ગયા છો પણ હવે હાથમાં આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી.

બાદમાં જીવલેણ હુમલામાં ઘવાયેલ હર્ષ અને રવિને પ્રથમ અત્રેની ખાનગી હોસ્‍પીટલમાં સારવાર અર્થે ખસેડાયેલ હતા. જ્યાં રવિને પ્રાથમીક સારવાર અપાયેલ જ્યારે હર્ષને ત્રણેક જગ્‍યાએ ટાંકા લેવાયેલ તથા હાથ અને પગમાં ફેકચરની ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધું સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ હતા. આ ઘટના અંગે લેબ ટેકનીશયન હર્ષ પટેલીયાએ ઉદય કુહાડા અને હિતેષ સીંઘી સામે ઉપરોકત વિગત સાથે ફરીયાદ નોંઘાવતા પોલીસે આઇપીસી કલમ 323, 326, 504, 506 (2), 114 અને જીપી એકટ 135 મુજબ ગુનો નોંઘી પીએસઆઇ અર્ચના ખુમાણએ ગણતરીના કલાકોમાં જ બંન્‍ને આરોપીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

શહેરમાં લુખ્‍ખાઓને કાયદાનું ભાન કરાવવા અભિયાન ચલાવવા લોકલાગણી

અત્રે નોંઘનીય છે કે, આજની ઘટનાથી છેલ્‍લા થોડા સમયથી શહેરમાં લુખ્‍ખાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાથી પોલીસની ધાક ઓસરી રહી હોવાથી શહેરીજનો અસુરક્ષ‍િત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. ત્‍યારે રાત્રીના પરીવાર સાથે નિકળતા લોકોને ઘરે મોકલવાની કામગીરી કરતા પોલીસ તંત્રએ લુખ્‍ખાગીરી કરતા તત્‍વોને શોધી શોધીને કાયદાનું ભાન કરાવવાની જરૂર હોવાની લાગણી લોકોમાંથી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...