વેરાવળમાં ડો.અતુલ ચગે 12મી ફેબ્રુઆરીના ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમણે બે લીટીની સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આજે સાંસદ રાજેશ ચુડાસમા ખૂલીને બહાર આવ્યા છે. તેમણે કહ્યું, આ કેસમાં હું મારો નાર્કો કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવવા તૈયાર છું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, મૃત્યુના બે દિવસ પહેલાં ડો.ચગે પોતાના અને સ્ટાફ માટે મારે ત્યાંથી લાડુ મગાવ્યા હતા. ડો.ચગ જ્યારે પરિવારથી દૂર હતા ત્યારે મારો પરિવાર ટિફિન મોકલતો હતો. મારા પર જે આક્ષેપો થયા છે તે અંગે મારે શું કહેવું? પોલીસને જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
ચાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાયા
22 ફેબ્રુઆરીના ગુજરાતના ડીજીપી, જૂનાગઢ રેન્જ આઇજી, ગીર-સોમનાથ એસપી, ડીવાયએસપીને મેલ દ્વારા જાણ કરાઈ હતી કે, વેરાવળ સિટી પીઆઇને સુપ્રીમના ચુકાદા મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરો અન્યથા અમારે અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરવી પડશે. એફઆઇઆર દાખલ ન થતાં વેરાવળ સિટી પીઆઇ સુનિલ ઈશરાણી, ડીવાયએસપી વી.આર. ખેંગાર, એસપી મનોહરસિંહ જાડેજા, રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા વિરુદ્ધ હાઈકોર્ટના એડવોકેટ રાજેશ કાનાણી તેમજ સિનિયર કાઉન્સિલ યોગેશભાઈ લાખાણી દ્વારા કોર્ટ ઓફ કંટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરાઈ હતી. સુનાવણી 28 માર્ચે થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.