75માં સ્વાતંત્રય પર્વની ઉજવણી જૂનાગઢમાં થનાર છે. શહેરના બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ થનાર છે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપવા જિલ્લા કલેકટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટની સાંજે કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ તેમજ સાંજના 7:30 વાગ્યે ગુજરાતના સ્વાતંત્રય વિરોના બલિદાન, આરઝી હકુમત સહિતની શોર્યગાથાને રજૂ કરતો સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજૂ થશે.
15 ઓગસ્ટે પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજૂ થશે જેમાં લેજીમ નૃત્ય, ડોગ શો, ડ્રોનનું ડેમોસ્ટ્રેશન,શોર્યગીતો રજૂ થશે. જ્યારે સ્વાતંત્રય સેનાનીઓનું સન્માન કરવામાં આવશે. આ તકે ધ્વજ વંદન સ્થળે વીજળી, પાણી, સફાઇ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, મોબાઇલ ટોઇલેટ બ્લોક, ટ્રાફિક વ્યવસ્થા સહિતની કામગીરીની સમિક્ષા કરાઇ હતી. બેઠકમાં ડીડીઓ મિરાંત પરીખ, કમિશ્નર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા, એસડીએમ અંકિત પન્નુ સહિતના જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.