જૂનાગઢમાં ધ્વનિ(અવાજ)નું પ્રદુષણ ઘટાડવા ડી.જે. ચલાવતા 25થી વધુ સંચાલકો અને સાઉન્ડ એસો.ના હોદેદારો સાથે પોલીસ તંત્રએ બેઠક યોજી હતી. જેમાં શોભાયાત્રા, રેલી કે લગ્ન પ્રસંગ જેવા સમારોહમાં નિયમ મુજબ 120 ડેસીબલથી વધુ અવાજ ન રાખવા સુચના આપી હતી અને જે ગીતો વગાડવાના હોય તેની કોપી પણ અગાઉથી પોલીસને આપવા જાણ કરવામાં આવી હતી.
લગ્ન પ્રસંગો, રેલીઓ અને શોભાયાત્રા દરમિયાન ઉંચા અવાજથી વાગતા ડી.જે.સાઉન્ડ અને માઈકના લીધે અવાજનું પ્રદુષણ વ્યાપક રીતે ફેલાય છે. જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડે છે. મકાન, દુકાનના કાચ પણ ભારે અવાજના કારણે ઘણી વખત તુટી જવાના બનાવો બને છે. આ ઉપરાંત ગીતના લીધે ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવાની પણ ઘટના ક્યારેક બને છે. આથી આજે જૂનાગઢમાં પોલીસે ડી.જે.ના સંચાલકો અને સાઉન્ડ એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે ડીવાયએસપી કચેરી ખાતે બેઠક કરી હતી. જેમાં એસીબી અને ટ્રાફીક શાખાના અમલદારો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ડી.જે.સાઉન્ડના સંચાલકોને જાહેરનામા મુજબ ડેસીબલથી વધુ અવાજ ન રાખવા અને જે ગીત વગાડવાના હોય તેની તથા કાર્યક્રમની લેખીત જાણ અગાઉથી પોલીસને કરવા સહિત નિયમોના પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપવામાં આવી હતી. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આ સુચનાઓનું ઉલ્લંઘન કરનારા સામે ગુનો દાખલ કરી મુદામાલ કબ્જે કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સુચનાઓ મુદે બેઠકમાં હાજર ડી.જે. સંચાલકો અને પ્રતિનિધિઓ સહમત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.