સરકારી સહાય:જૂનાગઢ કેશ ક્રેડીટ કેમ્પમાં 272 સ્વસહાય જૂથની બહેનોને આત્મનિર્ભર બનાવવા રૂ.294 લાખની લોન ધીરાણના ચેકનું વિતરણ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેનના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જુથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો
  • રાષ્ટ્રીય આજીવિકા ગ્રામીણ મિશન યોજના અંતર્ગત સ્વસહાય જુથને અપાયેલ વાહનનું પ્રસ્થાન કરાયુ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં 272 સ્વસહાય જૂથની બહેનોને રૂ.294 લાખની લોન-ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત સ્વ-સહાય જુથને અપાયેલ ઇકો વાહનનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાયુ હતુ.

જૂનાગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ-સહાય જુથોને સામુહિક લોન વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાએ મહિલાઓલક્ષી યોજના વિશે અને બેન્ક દ્વારા સખી મંડળને આપેલ ધિરાણ અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. ડીડીઓએ મહિલાઓને સરકાર તરફથી મળતી યોજના અને મહિલાઓની સમસ્યાના સમાધાન અંગે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સરકારની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાંથી બેન્કો દ્વારા 272 સ્વસહાય જૂથની બહેનોને રૂ.294 લાખની લોન-ધિરાણના ચેક મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર બેન્ક સખી બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં બેન્ક સખી તરીકે ફરજ બજાવતા ક્રિષ્નાબેન પાઘડાળ, રંજનબેન દેપાણી અને મધુબેન મકવાણાએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત સ્વ-સહાય જુથને અપાયેલ ઇકો વાહનનું ફ્લેગ ઓફ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ તકે જિલલા પંચાયત કારોબારી ચેરમેન કંચનબેન ડઢાણિયા, અગ્રણી દિનેશભાઇ ખટારિયા, એસબીઆઇ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના મેનેજર, એસબીઆઇ આરસેટીના નિયામક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...