વીજ ચેકીંગ:ગીરનાર પર વીજ ચેકીંગની ઘણાને અગાઉથી જ ખબર હોવાની ચર્ચા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બધાએ હૂક ભલે કાઢી લીધો, ફ્રીઝ તો ત્યાંજ હતા

ગીરનાર પર્વત પર વીજ ચેકીંગમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી. અને 5 કોમર્શીયલ કનેક્શનોમાંથી ગેરરીતી પકડી 6.15 લાખનો દંડ ફટકારાયો હતો. ગીરનાર પર વીજ ચેકીંગની કાર્યવાહી અંગેની જાણ અગાઉથી બધાને થઇ ગઇ હોય કે ગમે તેમ પણ તળેટીથી ટોચ સુધી અંદાજે 40 થી વધુ દુકાનો છે. જેમાં ઠંડાપીણા મળે છે, ટીવી વાગતું હોય છે અને વીજળીના ઉપકરણો પણ ચાલુજ હોય છે. જોકે, એમાંથી કાયદેસર કનેક્શનો કેટલા પાસે છે એ પીજીવીસીએલ જાણે. પણ જો ગેરકાયદેસર હોય અને વીજતારમાં હૂક ભરાવીને ચોરી થતી હોય તો સ્વાભાવિકપણેજ ચેકીંગ ટુકડી દેખાતાંજ દુકાન ધારક હૂક કાઢીજ નાંખવાના છે.

ગીરનાર એવો સ્પોટ છે કે, ત્યાં આવી કાર્યવાહી છાની રહી શકે નહીં. કારણકે, દુકાનધારક ગણત્રીની મીનીટોમાં ફટાફટ પગથિયાં ચઢી-ઉતરી શકે. જ્યારે વીજ ટુકડીને એ માટે વાર લાગવાનીજ. માટે એક કનેક્શનમાં થયેલી કાર્યવાહીની વાત તુરતજ બીજે મળી જ જવાની. આથી હૂક તો બધા કાઢી જ લે. પણ વીજળીથી ચાલતા ઉપરકણોનું શું? જેટલી ઝડપથી હૂક કાઢી શકે અટલી ઝડપથી ત્યાં વીજ ઉપકરણો ગાયબ નથી કરી શકાતા. મજૂર જેટલી ઝડપથી બીજો માલસામાન ચઢાવી શકે એટલી ઝડપથી ફ્રીઝ ન ચઢાવી શકે. એમાં તો વારજ લાગવાની. જો ચેકીંગ ટુકડીએ હૂક ન ભરાવ્યાનું નિરીક્ષણ કર્યું હોય તો સાથે વીજ ઉપકરણો તમે શેનાથી ચલાવો છો એવો સવાલ પૂછીને કાર્યવાહી કરી જ શકી હોત એમ જાણકારોનું માનવું છે.

કાયદેસરનું કનેક્શનજ કાયમી ઉકેલ
ગીરનારની સીડી પર વીજ કનેક્શન આપવા માટે પીજીવીસીએલ વનવિભાગની મંજૂરી માંગે છે. વનવિભાગ એ મંજૂરી ક્યારેય આપાવનું નથી. તો બીજી તરફ દુકાનો પણ દૂર કરવાનું નથી. આથી જો વીજ તંત્ર દુકાન ધારક પાસેથી 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વનવિભાગ ડીમોલીશન કરે ત્યારે કનેકશન જતું કરવાની ખાત્રી લઇને કનેક્શન આપે તો દુકાનદારોને કાયમનું ટેન્શન દૂર થાય.

અમુક દુકાનદારો પાસે કાયદેસરનાં કનેક્શન છે
દાયકાઓ પહેલાં ગીરનાર પર્વત પર બનેલી અમુક દુકાનોમાં કાયદેસરનાં કનેક્શનો છે. જેતે વખતે એ અપાયા હતા. પણ એ વખતે ગીરનાર અનામત જંગલ હતું. જોકે, ત્યારબાદ 40-40 વર્ષ જૂની દુકાનોને પણ વીજ કનેક્શનો નથી મળ્યા એ પણ હકીકત છે.

બધે ગેકા બાંધકામોને કનેક્શન અપાય જ છે
શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામોને એકયા બીજી રીતે કાયદેસરનાં વીજ કનેક્શનો મળે જ છે. વળી લાઇન પણ છે. તો શું ગીરનાર પર કાયદેસરનાં કનેક્શન ન આપી શકાય?

મેઇન્ટેનન્સ પાછળ લાખ્ખો ખર્ચાય છે
ગીરનાર પર્વત પર પાવર સપ્લાય માટે નીચે 100 કેવીનું ટીસી છે. છેલ્લા 6 માસથી દર અઠવાડિયે ઓછામાં ઓછા 2 વખત વીજ કંપનીના માણસોએ મેઇન્ટેનન્સ માટે જવું પડે છે. જેનો ખર્ચ લાખ્ખો રૂપિયામાં થાય છે. પણ જો વીજ કંપની કાયદેસરનાં કનેક્શનો આપી દે તો તેની ખોટ થોડીઘણી ભરપાઇ પણ થઇ શકે. એમ પણ જાણકારોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...