ક્રાઇમ:જૂનાગઢના 2 બુટલેગરો સામે પાસા લાગુ કરાયો

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત તેમજ વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલતી એલસીબી

જૂનાગઢના 2 પ્રોહિબીશન બુટલેગર્સ સામે પાસા લાગુ કરી તેને ઝડપી લઇ એલસીબીએ સુરત તેમજ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દીધા છે. હાલ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે પ્રોહિબીશનની પ્રવૃતિમાં સંડોવાયેલા શખ્સો સામે પાસા, તડીપાર જેવા પગલાં લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના અપાઇ હતી. દરમિયાન એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સંજય ભીખુભાઇ દેવધરીયા અને ધર્મેન્દ્ર રણછોડદાસ ભીંડોરિયા (રે. બન્ને કામદાર સોસાયટી) સામે પ્રોહિબીશનના ગુના નોંધાયા હતા.

પરિણામે એ ડિવીઝન પોલીસ દ્વારા બન્ને શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક દ્વારા રજૂ કરતા જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર રચિત રાજે બન્ને શખ્સો વિરૂદ્ધ પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. બાદમાં એલસીબીએ વોરંટની બજવણી કરવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે સંજય ભીખુભાઇ દેવધરીયા હાલ દાતાર રોડ પર સંજય ગેરેજ પાસે ઉભો છે. જ્યારે ધર્મેન્દ્ર રણછોડ ભીંડોરીયા ગિરનારના 3,000 પગથિયાએ છે. બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી અને સ્ટાફે જઇ બન્નેને ઝડપી લીધા હતા. બાદમાં પાસા હેઠળ સંજય દેવધરીયાને સેન્ટ્રલ જેલ વડોદરા તેમજ ધર્મેન્દ્ર ભીંડોરીયાને સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત જેલમાં ધકેલી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...