જૂનાગઢમાં દિપાવલીના તહેવારની ઉજવણીને લઇ લોકોમાં ભારે ઉમંગ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો તમામ આધિ,વ્યાધિ અને ઉપાધી ભૂલીને ઉત્સવની ઉજવણીમાં મશગૂલ બન્યા છે. પરિણામે જૂનાગઢની વિવિધ બજારોમાં દિવાળીને લગતી ચિજવસ્તુની ખરીદી માટે ભારે ભીડ જામે છે. લોકો ભાવની પરવાહ કર્યા વિના વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. પરિણામે વેપારીઓને પણ તડાકો પડ્યો છે. દરમિયાન ગુરૂવારે દિવાળી પર્વની ઉજવણી કરાશે. શુક્રવારે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવશે. જ્યારે શનિવારે ભાઇ બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતિક સમાન પર્વ ભાઇબીજની ઉજવણી કરવામાં આવશે.
બાદમાં લાભ પાંચમની ઉજવણી કરાશે. આ દિવસથી ફરી નવા વર્ષમાં ધંધા શરૂ કરાશે. આમ, દિવાળીથી લઇને છેક લાભ પાંચમ સુધી તહેવારોનો માહોલ રહેશે. લોકો ફટાકડા, કપડાં,બુટ, કટલેરી, મિઠાઇ, ફરસાણ, તોરણ, રંગોળીના કલર, લાઇટીંગ માટેની સિરીઝોની ધૂમ ખરીદી કરી રહ્યા છે. બજારમાં પણ પગ મૂકવાની જગ્યાન હોય તેટલી ભીડ જોવા મળી રહી છે. આમ, કોરોનાના કારણે બે વર્ષ સુધી ધંધા, રોજગાર ઠપ્પ થયા હતા. હવે કોરોના ઓછો થતા મૃત:પાય બનેલા ધંધા, રોજગારમાં ફરી સંચાર થતા વેપારીઓના જીવમાં પણ જીવ આવ્યો છે અને આર્થિક સમૃદ્ધિનું ચક્ર ફરી ફરતું થયું છે.
ઘરે ઘરે રંગોળી પૂરાઇ| દિવાળીના તહેવારને લઇ લોકોએ પોતાના ઘરે અવનવી રંગોળી પૂરી છે. ઘરે ઘરે અવનવી રંગોળી જોવા મળી રહી છે. ખાસ કરીને લાભ, શુભ, લક્ષ્મી વગેરેના ચિત્રો સાથેની રંગોળી ઘરની શોભા વધારી રહી છે. સાથોસાથ દરેક ઘર દિવડાથી પણ ઝગમગી રહ્યું છે. શહેરમાં અનેક બિલ્ડીંગોને રોશનીથી શણગારાશે ત્યારે લોકો મોડી રાત્રીના રોશની જોવા પણ નિકળશે. રાત્રીના ફટાકડા પણ ફોડશે જેથી અવનવા રંગોની આકાશમાં જાણે રંગોળી પૂરાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળશે.
નૂતન વર્ષે મંદિરોમાં દર્શન માટે લાગશે ભીડ
શુક્રવારે નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ દિવસે લોકો વ્હેલાં ઉઠી, અવનવા વસ્ત્રોમાં સજ્જ થઇ વડિલોને પગે લાગી તેમના આશિર્વાદ સાથે ભેટ પણ મેળવશે. બાદમાં વિવિધ મંદિરોમાં ભગવાનના દર્શન કરી આશિર્વાદ મેળવશે. મંદિરમાં દર્શન માટે ભાવિકોનો ભીડ જામશે. આ ઉપરાંત અનેક મંદિરોમાં ભગવાનને અન્નકૂટ પણ ધરાશે જેના દર્શન માટે પણ ભાવિકોની ભીડ રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.