જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. ચેરમેન હરેશભાઇ પણસારાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના વિવિધ 19.17 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આમાં ખાસ કરીને ભવનાથમાં તમામ થાંભલા પરથી ભક્તિ સંગીતના સૂર રેલાય તેવું આયોજન કરાયું છે. આ માટે ડિવાઇડર વિજપોલ પર સ્પિકર લગાવાશે. આ માટે લોક ભાગીદારીથી 4.68 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવનાર છે.
પરિણામે આધ્યાત્મિક નગરી જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી લઇને ભવનાથ સુધીના તમામ વિજપોલ પરથી હવે ભક્તિ સંગીતના સૂર રેલાતા લોકોને, આવનાર પ્રવાસી, ભાવિકોને વધુ આધ્યાત્મિક અને પવિત્ર વાતાવરણનો ભવનાથ સુધી અનુભવ થશે. આ માટે અરજદાર દ્વારા પોતાના સ્વખર્ચે લાઇટ શાખાના વિજપોલ પર સ્પિકર મૂકી ઓમનાદ ઉચ્ચારણની માંગ કરાઇ હતી જેને મંજૂરી અપાઇ છે.
આ ઉપરાંત હાઉસ ટેક્ષમાં વ્યાજ માફીની યોજનાની મુદ્દત 1 મહિનો વધારાઇ છે. મનપાના તમામ કર્મચારીઓને વિમા કવચ અપાશે. સાથે 10 વર્ષનો રોડમેપ તૈયાર કરવા તેમજ અમૃત 2.0 સ્વચ્છ ભારત મિશન જેવા કેન્દ્રિય આયોજનો માટે આશરે 3.97 કરોડના ખર્ચે કન્સલ્ટન્સી એજન્સીને રોકી તેમને કામ સોંપાશે. સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે 2.6 કરોડના ખર્ચે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયાને પણ સ્થાયી સમિતીએ મંજુરીની મહોર મારી છે.
અન્ય વિકાસ કાર્યો - હયાત બોરમાં વરસાદી પાણી રિચાર્જ માટે 2.60 કરોડ, ખામધ્રોળ 66 કેવીમાં સીસીરોડ, પેવર બ્લોક માટે 18 લાખ, વોર્ડ નંબર 12માં સિવીલ કામોનું રિપેરીંગ,નવા કામો,આરસીસી પાઇપ,ગટર વગેરે કામો માટે 58.80 લાખ, વોર્ડ નંબર 11માં સીસીરોડ માટે 28.34 લાખ, વોર્ડ નંબર 7માં વિવિધ કામો માટે 55.38 લાખ, વોર્ડ નંબર 6માં વિવિધ કામો માટે 55.38 લાખ, વોર્ડ નંબર 11માં સીસીરોડ માટે 13.57 લાખ, વોર્ડ નંબર 5માં વિવિધ કામો માટે 58.20 લાખ, વોર્ડ નંબર 11માં સિવીલના નવા કામો, રિપેરીંગ, આરસીસી પાઇપ,ગટર માટે 59.34 લાખ,જ્યારે વોટર સપ્લાઇ માટેના કામો માટે 1.41 કરોડના કામો, વોર્ડ નંબર 9માં બોર, ઇલેકટ્રિક મોટર માટે2.41 લાખ વગેરે વિકાસ કામોને મંજૂર કરાયા છે.
હાઉસ ટેક્ષમાં વ્યાજ માફીની મુદ્દતમાં 1 મહિનાનો વધારો
જૂનાગઢ મહાનગરપાલિકાના મિલ્કત ધારકો પોતાના પાછલા માંગણા સહિત ચાલુ વર્ષનો હાઉસટેક્ષ ભરી આપે તો 100 ટકા વ્યાજ માફીની યોજના હતી જેની મુદ્દત 31 મે સુધી હતી. હવે આ મુદ્દતમાં 1 મહિનાનો વધારો કરાયો છે. પરિણામે હવે 30 જૂન સુધીમાં બાકી તમામ હાઉસટેક્ષ ભરી આપનાર 100 ટકા વ્યાજ માફી મેળવી શકશે.
કર્મીઓને વિમા કવચ મળશે - જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વિમા સુરક્ષા કવચ યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે. આ માટે બજેટમાં ખાસ જોગવાઇ કરાઇ છે.પરિણામે તમામ કર્મચારીઓને વિમા કવચ મળશે જેનું પ્રિમીયમ મહાનગરપાલિકા ભરશે.
વોર્ડ નંબર 2,4, 13માં લોકભાગીદારીથી કામો થશે : વોર્ડ નંબર 2,4 અને 13માં લોકભાગીદારીથી કામો કરવામાં આવશે. આમાં કોર્પોરેટર દ્વારા 20 ટકા રકમ ભરપાઇ કરેલ હોય 10 ટકા રકમ સ્વભંડોળમાંથી વપરાશે અને 70 ટકા રકમ સરકારની ગ્રાન્ટમાંથી વપરાશે. આમાં વિવિધ સોસાયટીઓમાં કુલ 19 વિકાસ કામો તેમજ સાર્વજનિક પ્લોટોમાં રોડ, ગટર, પેવીંગ બ્લોક પાથરવા, કમ્પાઉન્ડ વોલ સહિતના કામો કરાશે. આ કામ માટે 4.68 કરોડની રકમને મંજૂરી અપાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.