​​​​​​​જનરલ બોર્ડ:વિકાસના કામ જમીન સંપાદનના વાંકે અટક્યા: વિપક્ષ 500 કરોડના કામ ચાલુ છે, પણ તમને દેખાતા નથી: મેયર

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમને બોલવા નથી દેતા, ને કમિશ્નરને ઠોંસો મારીને બોલતા અટકાવ્યા: વિપક્ષનો આક્ષેપ: વિપક્ષે કહ્યું સુવિધા નથી તો ટેક્સમાં રાહત આપો, શાસકોએ દરખાસ્ત કમિશ્નરને મોકલી દીધી

શહેરમાં વિકાસના કામો કેટલા ચાલે છે એ તો કહો. ભૂગર્ભ ગટર, પાણીના પ્રોજેક્ટ, વોર્ડ વાઇઝ ઝોનલ ઓફિસ જેવા વિકાસના કામો જમીન સંપાદનના વાંકે અટકેલા છે. એવી ટકોર કોંગ્રેસના લલિત પણસારાએ જનરલ બોર્ડમાં કરી હતી. તેના જવાબમાં મેયર ધીરુભાઇ ગોહેલે કહ્યું, 500 કરોડના કામો અત્યારે ચાલે છે પણ એ તમને દેખાતા નથી. મંત્રીઓએ એના લોકાર્પણ પણ કર્યા છે. જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં નિયત સમયે બધા હાજર હતા.

પણ શાસક પક્ષના નેતા પુનિત શર્મા, અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશિયાએ મેયર અને કમિશનર પાસે લગભગ 15 મીનીટ સુધી ગુફતેગો કરી હતી. અને બાદમાં માત્ર 25 જ મીનીટમાં બધાજ ઠરાવ બહુમતી અને અમુક સર્વાનુમતે પસાર કરી દીધા હતા. જ્યારે જોષીપુરા ઓવરબ્રિજ, નરસિંહ મહેતા સરોવર બ્યુટીફીકેશન, ટીંબાવાડી અક્ષર ગેઇટ ઓવરપાસ, ઝાંઝરડા ચોકડી અન્ડર પાસ, વૈભવ ચોક રેલ્વે ક્રોસીંગ ઓવરબ્રિજ, પીવાના પાણીના પ્રોજેક્ટ માટે બજેટમાં વધારો કરાયા છત્તાં કોઇ સુવિધા મળી ન હોવાથી લોકોને ટેક્સમાં રાહત આપવા કોંગ્રેસના મંજુલાબેન પણસારાએ દરખાસ્ત કરી હતી.

જેને કમિશ્નર તરફ મોકલી શાસકોએ જવાબદારી ખંખેરી નાંખી હતી. તો પાર્કિંગના બાયલોઝ સર્વાનુમતે બહાલ કરતાં એનસીપીના અદ્રેમાન પંજાએ ટકોર કરી કે, ફોરવ્હીલ વાળાને પાર્કિંગ આપવા ગરીબોની રેકડી હટાવી લો છો. તો કોમર્શીયલ કોમ્પલેક્ષવાળાએ જે પાર્કિંગ દબાવી દીધા છે એ ખાલી કરાવો. જેના જવાબમાં મેયરે કહ્યું હતું કે, ટીપીના 3 પ્લોટ, 20 ટકા કપાત સહિત 20 વર્ષમાં કોઇએ કાંઇ કર્યું નથી મનપાએ જગ્યા ખાલી કરાવી. અદ્રેમાન પંજાએ કહ્યું, ઉદ્યોગો અને હોટલોને 1 વર્ષની પ્રોપર્ટી ટેક્સમાં વેરા માફી આપો છો તો નાના ધંધાર્થીને પણ આપો. મેયરે કહ્યું, સરકારની પોલીસી પ્રમાણે કર્યું છે.

ભાજપના સભ્યને પણ બોલતા અટકાવાયા
ભાજપના વોર્ડ નં. 6 ના સભ્ય શાંતાબેન મનુભાઇ મોકરિયાએ સેનીટેશન કર્મચારીઓની હાજરી, વર્કઓર્ડર, એજન્સીના વર્કઓર્ડરોની વીગતો માંગી હતી. જોકે, તેઓએ વંચાણે લઇ રજૂઆત કરતાં તેમને બોલતાં અટકાવી દેવાયા હતા.

પત્રકારોને વીડિયો શુટીંગ કરતા વારંવાર અટકાવ્યા
​​​​​​​જનરલ બોર્ડમાં મેયર ધીરૂભાઇ ગોહેલે પત્રકારોને વારંવાર વેલમાં ન આવવા ટપાર્યા હતા. પ્રશ્ન કરતા સભ્ય પાસે જઇ તેનું શુટીંગ કરતા અટકાવ્યા. બાદમાં દબાણ હટાવ શાખાના કર્મચારીઓને બોલાવી બહાર કાઢતાં ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓમાં રોષ ફેલાયો હતો.

રખડતા શ્વાન માટે 3 વખત ટેન્ડરીંગ થયું
શહેરમાં રખડતા શ્વાન માટે કોંગ્રેસના લલિત પણસારાએ દરખાસ્ત કમિશ્નર તરફ મોકલાતાં તેમણે સવાલ કરતાં મેયર ધીરુભાઇ ગોહેલે કહ્યું, 3 વખત ટેન્ડરીંગ થયું છે. તો લલિતભાઇએ કહ્યું, કેપ્ચર ગેંગ તો રાખવી પડેને? આ દરખાસ્ત પણ કમિશ્નર તરફ મોકલી દેવાઇ હતી.

ભરતીમાં મામા-માસીનાનો આક્ષેપ થતાં મેયરે કહ્યું, કોની વાત કરો છો ?
કર્મચારીઓની ભરતીના ઠરાવ વખતે મંજુલાબેન પણસારાએ એવો આક્ષેપ કર્યો કે, મામા માસીનાની ભરતી કરો છો. ને વર્ષોથી ફીક્સ પગારમાં છે એને કાયમી કરતા નથી. એ વખતે મેયર ધીરૂભાઇ ગોહેલે વાંધો ઉઠાવ્યો હતો કે, મામા માસીના એટલે કોની વાત કરો છો એ કહો. ખોટા આક્ષેપો ના કરો.

તો અમારે કોર્ટનું શરણ લેવું પડશે: કોંગ્રેસ
ભાજપવાળા સત્તા અને બહુમતીના જોરે જનરલ બોર્ડમાં અમને બોલવા નથી દેતા અને મારા સવાલનો જવાબ આપે એ પહેલાં કમિશ્નરને ઠોંસો મારીને બોલતા અટકાવી દીધા. ભાજપ જો આવુંજ કરશે તો અમારે કોર્ટનું શરણ લેવું પડશે. એવો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...