વિવાદ ઉપર પૂર્ણ વિરામ:તાલાલાના ધાવા ગીરમાં મહિલા સરપંચને હોદ્દા પર ચાલુ રહેવા વિકાસ કમીશ્નરનો આદેશ

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીનો આદેશ અધિક વિકાસ કમીશ્નરએ રદ્દ કર્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના મહિલા સરપંચ લાભુબેન શિયાળને પદ ઉપરથી દુર કરવા ગીર સોમનાથ જીલ્લા વિકાસ અધિકારીએ ગત તા. 22-1-21ના રોજ કરેલા આદેશ રાજ્યના અધિક વિકાસ કમીશ્નરે રદ કરી મહિલા સરપંચને પદ ઉપર યથાવત રાખવા આદેશ કરતા પંચાયતના નાણાકીય વહીવટ અંગે ખોટી અને મનઘડીત ચર્ચાઓ સાથે ઉભા થયેલા વિવાદ ઉપર પૂર્ણ વિરામ મુકાયુ છે.

આ મામલે અધિક વિકાસ કમીશ્નરે જણાવ્યું છે કે, તાલાલા તાલુકા વિકાસ અધિકારીએ મહિલા સરપંચે નાણાકીય લાભ લેવા પદનો ઉપયોગ કર્યો હોવાનો કારણદર્શક નોટીસમાં કરેલ ઉલ્લેખ પ્રાથમિક દ્રષ્ટીએ સુસંગત નથી. તેમજ તપાસનીશ અધિકારીએ કરેલી તપાસમાં ઘણી ક્ષતિઓ છે. આ ઉપરાંત મહિલા સરપંચને બચાવ કરવા આપતી જોઈતી તક પણ આપી નથી તેમજ ગ્રામ પંચાયતને નોટીસ આપી ઠરાવ સ્વરૂપે ખુલાસો માંગવો તે પણ કરવામાં આવેલ નથી.

મહિલા સરપંચ અનામત સીટી ઉપર ચુંટાઈ આવેલા છે. તેમજ અક્ષરજ્ઞાન ધરાવતા નથી આવા સમયે ગ્રામ પંચાયતના વહીવટ દરમ્યાન તલાટી કમ મંત્રીએ આપવું જોઈતુ જરૂરી માર્ગદર્શન આપવામાં પણ ઉણપ રાખી હોવાનું પણ જણાતું હોય મહિલા સરપંચને પદ ઉપરથી દુર કરવા પંચાયત ધારાની કલમ 57 ની જોગવાઈનું પાલન થતુ નથી. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરી ધાવા ગીર ગ્રામ પંચાયતના મહિલા સરપંચની માંગણી સ્વીકારી રાજ્યના અધિક વિકાસ કમિશ્નર ડી.ડી. જાડેજાએ લાભુબેન શિયાળને સરપંચ પદે યથાવત રાખતા ધાવા ગીર ગામમાં લાંબા સમયથી ચાલતા રાજકીય વિવાદનો અંત આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...