પોલીટીકલ:કોલેજોમાં બંધના નારા લગાવતા એનએસયુઆઇ કાર્યકરોની અટકાયત

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે બંધ સફળનો દાવો કર્યો પણ બજારો ખુલ્લી હતી

જૂનાગઢમાં એનએસયુઆરઇ દ્વારા આજે મોંઘવારીના વિરોધમાં ગુજરાત બંધના એલાન અંતર્ગત શહેરની જુદી જુદી કોલેજો અને સ્કુલો બંધ કરાવવા નીકળ્યા હતા. એ વખતે પોલીસે તેઓને અટક કરી હતી. જોકે, કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસી કોલેજ બંધ કરોના નારા લગાવ્યા હતા ખરા. દરમ્યાન શહેર કોંગ્રેસે આજે બંધ સફળ રહ્યાનો દાવો કર્યો હતો. જોકે, દુકાનો તો ખુલ્લી જોવા મળી હતી.

જૂનાગઢ એનએસયુઆઇના આગેવાનો અને મહિલા કાર્યકરો જૂનાગઢ શહેરની અલગ અલગ કોલેજો અને સ્કુલો બંધ કરાવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે બહાઉદ્દીન કોલજ બંધ કરાવવા ગયા. ત્યારે પોલીસ ગેટે ઉભી રહી ગઇ હતી. આથી એનએસયુઆઇના કાર્યકરો દોડીને કોલેજની અંદર ઘુસી ગયા હતા. અને ત્યાં કોલેજ બંધ કરોના નારા લગાવ્યા હતા. પોલીસે તેઓની પાછળ દોડી કોલજની અંદરથી કાર્યકરોની અટકાયત કરી હતી.

આ તકે જૂનાગઢ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ યુગ પુરોહિત, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી પ્રતાપ ભરાડ અને જૂનાગઢ શહેર એનએસયુઆઇના પ્રમુખ પ્રથમ આહીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

દરમ્યાન જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ, કાળવા ચોક, મોતીબાગ, ઝાંઝરડા રોડ, ગીરીરાજ રોડ, ઢાલ રોડ, આઝાદ ચોક સહિતના મુખ્ય તમામ વિસ્તારોમાં વેપારીઓએ બંધ પાળી સમર્થન આપ્યાનો અને ફક્ત ઇમરજન્સી હોસ્પિટલાઈઝેશન, દવાની દુકાનો અને જીવન જરૂરી દૂધની ડેરીની દુકાનો, સ્કૂલો ચાલુ રહ્યાનો દાવો કર્યો હતો. જોકે, બજારો ખુલ્લી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...