• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Despite The Heavy Damage In The Hurricane, The System's Double Standard In Providing Aid To Eighty Villages, Including Dolasa, Angered The Villagers.

આક્રોશ:વાવાઝોડામાં ભારે નુકસાન છતાં ડોળાસા સહિત આઠેક ગામોને સહાય ચૂકવવામાં તંત્રની બેધારી નિતી, ગ્રામજનોમાં રોષ

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિસાન સંઘએ પાઠવેલ આવેદનપત્ર - Divya Bhaskar
કિસાન સંઘએ પાઠવેલ આવેદનપત્ર
  • કોડીનાર કિસાન સંઘે આવેદનપત્ર આપી રીસર્વે કરી સહાય ચૂકવવા માંગ કરી
  • અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી

વાવાઝોડામાં કોડીનાર તાલુકાના ડોળાસા પંથકના 40થી વધુ ગામોમાં ભારે પાયમાલી સર્જી હતી. આ પૈકીના ઉના અને ગીરગઢડા તાલુકાના ગામડાઓમાં નુકસાનીનું વળતર ચુકવવામાં આવી રહ્યું છે. જ્યારે આ તાલુકાઓની વચ્ચે આવેલા વિસ્તારના કોડીનાર તાલુકાના ડોળાસા સહિતના ગામડાઓમાં સહાય ચુકવવા બાબતે તંત્ર બેધારી નિતી અપનાવી રહ્યું હોવાથી આઠેક ગામોમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ ગામોની નુકસાની બાબતે રીસર્વે કરાવવાની માંગ સાથે કોડીનાર કિસાન સંઘએ તંત્રને આવેદનપત્ર આપી જો સાત દિવસમાં સંતોષ પૂર્વક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વાવાઝોડાએ ઉના ગીરગઢડા તાલુકા જેટલું નુકસાન પહોંચાડયું

વાવાઝોડાએ ડોળાસા વિસ્તારમાં રૌદ્ર સ્વરૂપે ભારે પાયમાલી સર્જી હતી. ડોળાસા અને બાજુના અડવી, વેળવા, પાંચ પીપળવા, માલગામ, નાની ફાંફણી, મોટી ફાંફણી, જમનવાડા, આલીદર સહિત ગામો ઉના અને ગીરગઢડા તાલુકાની વચ્ચે આવેલા છે. ભૌગોલિક રીતે ઉના તાલુકાના ચીખલીથી ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામ સુધીના સીધી લીટીમાં આ ગામો આવી જાય છે. અને એકંદરે ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાં થયેલા નુકસાન સામે કોડીનાર તાલુકાના ડોળાસા સહિતના ગામોમાં વાવાઝોડાએ ઉના ગીરગઢડા તાલુકા જેટલું નુકસાન પહોંચાડયું છે.

કિસાન સંઘના પ્રમુખે ટીડીઓને આવેદનપત્ર આપ્યું

ડોળાસા ગામથી ઉતરે ગીરગઢડા તાલુકાના બોડીદર-સોનપરા ભીયાળ સહિતના તમામ ગામો જયારે દક્ષિણે આવેલા ઉના તાલુકાના ચીખલી-લે૨કા સીમાસી વિગેરે ગામોમાં સરકારે સહાય ચૂકવી છે. જ્યારે આ બાબતે ડોળાસાના સરપંચ ઉજીબેન મોરીએ અગાઉ ડોળાસામાં રીસર્વેની માંગ કરી છે. જ્યારે આજે કોડીનાર કિસાન સંઘના પ્રમુખ નોંધણભાઇ મોરીની આગેવાનીમાં ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી

જેમાં જણાવેલુ કે, ડોળાસા ગ્રામ પંચાયતએ વારંવાર રજૂઆત કરેલી હોવા છતા તંત્રની મીલીભગતથી રાજકીય ઈશારે સહાય ચુકવાઇ નથી. દિવથી ડોળાસા, આલીદરને લગતા કોડીનાર તાલુકાના આઠથી દસ ગામને 100 % સીધી લીટીમાં નુકસાન થયેલુ છે. દિવથી ડોળાસા 12 થી 13 કીમી જેટલું અંતર છે. જેથી ગીરગઢડા તાલુકાનાં ચીખલી, ભિયાળ તથા જામવાળા સુધી 100 % અસરગ્રસ્તમાં આવેલા છે. જેમાં ડોળાસા આજુ બાજુનાં ગામોને અન્યાય થયેલો છે. વાડી વિસ્તારમાં દરેક ખેડૂતને નુકસાન થયેલો છે. હજુ સુધી ખેડૂતોને વીજ પુરવઠો મળેલો નથી. તેમાં પણ રાજકીય ઈશારે કામ કરે છે. જેથી અમારા તાલુકાના નુકસાન થયેલા આઠ થી દસ ગામોમાં રી-સર્વે કરાવવાની માંગ છે. જો અમોને યોગ્ય સંતોષ પુર્વક જવાબ નહીં મળે તો સાત દિવસમાં અમોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...