આવેદનપત્ર:વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર લગાવેલા ગુના હટાવી તાત્કાલીક મુક્ત કરવા વેરાવળમાં આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ રાજપૂત સમાજ અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી
  • આ મામલે જરૂર પડશે તો મોટી લડત લડવાની ચીમકી પણ ઉચ્ચારી

ગાંધીનગરમાં થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વેરાવળમાં રાજપૂત સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓએ યુવા અધિકાર ન્યાય ચળવળ સંસ્થાના નેજા હેઠળ તંત્રને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહને સત્વરે મુક્ત કરવાની માંગ કરી હતી. આ મામલે જરૂર પડશે તો મોટી લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

ગાંધીનગર પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી. જેના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. આ ધરપકડના વિરોધમાં ઠેરઠેર વિદ્યાર્થીઓ અને કરણી સેના સહિતની અનેક સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપી વિદ્યાર્થી નેતાની મુક્તિની માંગ પણ ઉઠી છે. ત્યારે આજરોજ વેરાવળમાં પણ યુવા અધિકાર ન્યાય ચળવળના નેજા હેઠળ રાજપૂત સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનમાં જણાવાયું છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમય દરમ્યાન લેવાયેલી જુદી જુદી પરીક્ષાઓમાં યેનકેન રીતે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના કૌભાંડો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉજાગર કરી અવાજ ઉઠાવી રહ્યા છે. જેના કારણે બિનસચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ સરકારને રદ કરવાની ફરજ પડી છે. આમ યુવરાજસિંહ સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે લડત લડી રહ્યા છે.

વધુમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોનો પર્દાફાશ કરી રાજય સરકારની મદદ જ કરે છે. ત્યારે તેમને ન્યાય આપીને સરકારે સાચા ગુનેગારોને પકડવા જોઈએ. તેના બદલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે 307 અને 332 જેવી કલમો લગાવીને કાર્યવાહી કરી છે. જેને અમો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. તેમજ નેતા યુવરાજસિંહ ઉપર લગાવેલા ગુનાઓ દુર કરી મુકત કરવામાં આવે એવી માંગણી છે. ગુજરાતના સર્વે સમાજ અને લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપવા તૈયાર હોવાની અંતમાં ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...