શિયાળાની સવારે ઠંડીનું પ્રમાણ વધારે હોય સાથે ઝાકળ પણ હોય પ્રાથમિક શાળાનો સવારનો સમય 30 થી 40 મિનીટ મોડો કરવાની માંગ ઉઠી છે. આ અંગે મહાગુજરાત વાલી મંડળના મહામંત્રી કિશોરભાઈ ચોટલીયાએ જણાવ્યું હતું કે,આ વર્ષે શિયાળાની મોડી શરૂઆત થઈ છે. શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે.
સવાર વ્હેલી પડે અને તેમાં પણ હવે સવારનો ઠંડો પવન અને ઝાકળ ખૂબ હોય છે. ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફનો સામનો કરવો પડે છે તેવી અનેક વાલીઓની ફરિયાદ છે.
ત્યારે આ અંગે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે સવારની શાળાનો સમય 30 થી 40 મિનિટ મોડો કરવા અને તે સાથે બપોરના સમય વધારે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ જળવાઈ રહે અને અભ્યાસના કલાકો ઘટે નહીં તેવી વ્યવસ્થા કરવા માંગ છે. અમદાવાદ તેમજ બીજા ઘણા શહેરોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી સવારના સમયમાં ફેરફાર કરવામાં આવ્ય હોય તો જૂનાગઢની શાળાઓમાં પણ ફેરફાર કરવા માંગ કરાઇ છેે.
ઉચ્ચકક્ષાએથી ઓર્ડર આવ્યા બાદ નિર્ણય
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઇ ગુંચલાએ જણાવ્યું હતું કે, અમારે વાલી મંડળના મહામંત્રી સાથે ટેલીફોનીક વાત થઇ છે. તેમની રજૂઆતની ઉચ્ચકક્ષાએ જાણ કરાશે. માંગણી અંગે ઉચ્ચકક્ષાએથી ઓર્ડર આવ્યા બાદ નિર્ણય લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.