રજૂઆત:વેરાવળમાં રેલવે ફાટકો પર મંજૂર થયેલા બ્ર‍િજના કામો સત્‍વરે શરૂ કરાવવા માંગ કરાઈ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરાવળ રેલ્‍વે સ્‍ટેશનનું નિરીક્ષણ કરી રહેલ રેલ અઘિકારી - Divya Bhaskar
વેરાવળ રેલ્‍વે સ્‍ટેશનનું નિરીક્ષણ કરી રહેલ રેલ અઘિકારી
  • વેરાવળ સ્‍ટેશનની મુલાકાતે આવેલા પશ્ચીમ રેલવેના અધિકારી સમક્ષ સ્‍થાનીક અગ્રણીઓએ અનેક માંગણીઓની રજૂઆત કરી
  • સ્‍ટેશનમાં સુવિધા વધારી વિસ્‍તરણ કરવા તેમજ તીર્થ સ્‍થાનોને જોડતી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગણી કરાઈ

વેરાવળના રેલવે ફાટક પર મંજૂર થયેલા બ્રિજના કામો સત્વરે શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથથી દિલ્‍હી, અજમેર, હરીદ્રાર સહિત દેશના અન્‍ય યાત્રાધામોને જોડતી ટ્રેનો શરૂ કરવા તેમજ મંજૂર થયેલા ફાટકો પરના બ્ર‍િજનું કામ ઝડપભેર શરૂ કરવા અંગે કોંગી નગરસેવક સહિત સ્‍થાનીક આગેવાનોએ રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા પશ્ચીમ રેલવેના મુખ્‍ય અધિકારી સમક્ષ માંગ કરી હતી. બ્ર‍િજનું કામ શરૂ ન થતું હોવાથી ફાટકોની સમસ્‍યાં વિકરાળ બની છે. જેથી લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું વ્‍હેલીતકે નિરાકરણ લાવવુ સમયની જરૂરીયાત છે.

યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથના રેલવે સ્‍ટેશનોના ઈન્‍સપેકશન અર્થે આવેલા પશ્ચીમ રેલવેના અધિકારી અલોક કંસલે સ્‍થાનીક અધિકારીઓ પાસેથી કામગીરી અને યાત્રી સુવિધાની વિગતો જાણી હતી.

અધિકારી સમક્ષ રેલવે સ્‍ટેશન સંબંધિત પ્રશ્નોને લઈ કોંગી નગરસેવક અફઝલ પંજા સહિતના સામાજીક કાર્યકરો રૂબરૂ મળ્યા હતા. જેમાં વેરાવળ રેલવે સ્ટેશન નજીક આવેલા ફાટક નં.130, સોમનાથ રોડ પર ત્રીવેદીના કાંટ નજીકનું તથા ભાલકા મંદિર પાસે આવેલા ત્રણેય ફાટકો શહેરીજનો માટે ત્રાસદાયક છે. ફાટક નં.130 જે સ્‍ટેશનની નજીક હોવાથી દિવસમાં અનેક વખત 5 થી 10 મિનિટ સુધી વારંવાર બંધ કરવાની ફરજ પડે છે. જેના લીધે ફાટકની બંન્‍ને બાજુ વસવાટ કરતા હજારો લોકોને અવર-જવરમાં ખાસો સમય વેડફાય છે. આવી જ રીતે અન્‍ય બે ફાટકો કે જે વેરાવળ-સોમનાથને જોડતા મુખ્‍ય રોડ પર આવેલા છે. આ મુખ્‍ય માર્ગ હોવાથી દિવસભર ભારે ટ્રાફીક રહેતો હોય છે. ત્‍યારે દિવસમાં અનેક વખત ફાટકો બંધ થતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.

વધુમાં આ ફાટકોના લીધે સ્કૂલે જતા બાળકો, ઈમરજન્‍સી સમયે હોસ્પીટલે લઈ જવાતા દર્દીઓ અને રોજીંદા જોડીયાનગરમાં અપડાઉન કરતા હજારો લોકોના સમયનો ભારે વેડફાટ થઈ રહ્યો છે. આ ત્રણેય ફાટકો પર બ્ર‍િજ બનાવવા અનેક રજૂઆતો થયા બાદ બે એક વર્ષ અગાઉ રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. તેમ છતાં હજુ સુધી કામ શરૂ થયુ નથી. જેના કારણે હાલ ફાટકોની સમસ્‍યા વિકરાળ બની ગઈ હોવાથી લોકોને કયારે સમસ્‍યામાંથી મુકિત મળશે? મંજૂર થઈ ગયું છે તેમ છતાં કામ કેમ ચાલુ થતુ નથી ? તેવા સવાલ ઉઠી રહ્યા છે. જેથી ફાટકો પર બ્ર‍િજની કામગીરી ત્‍વરીત શરૂ કરાવવા માંગણી છે.

રેલ અઘિકારીને રજુઆત કરી રહેલ કોંગી નગરસેવક
રેલ અઘિકારીને રજુઆત કરી રહેલ કોંગી નગરસેવક

આ ઉપરાંત ટુરીઝમની દ્રષ્‍ટીને ઘ્‍યાને રાખી યાત્રાધામ સોમનાથ (વેરાવળ)થી દેશની રાજધાની દિલ્‍હી ઉપરાંત હરીદ્રાર, અજમેર, કાશ્‍મીર, રામેશ્વરમ, જગન્‍નાથ પુરી સહિતના તીર્થ સ્‍થાનોને જોડતી લાંબા અંતરીની ટ્રેનો શરૂ કરવી જરૂરી છે. જો આ ટ્રેનો શરૂ થશે તો અહીંના લોકો બહાર અને બહારના લોકો સોમનાથ સરળતાથી મુસાફરી કરી શકશે. તેનો સીધો ફાયદો યાત્રાધામોના સ્‍થાનીક વેપાર-ઘંઘાને થશે.

દર વર્ષે સોમનાથ આવતા યાત્રીકોની સંખ્‍યા નોંધનીય રીતે વધી રહી છે. સોમનાથથી લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ન હોવા છતાં અહીં આવતા યાત્રીકોનો વાર્ષીક આંકડો એક કરોડને પાર કરી ચુકયો છે. ત્‍યારે જો ટ્રેનોની સુવિદા વધુ હશે તો વધુ યાત્રીકો આવી શકશે. આ બાબતે પર વિચારી વ્‍હેલીતકે સોમનાથથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા માંગણી છે. વેરાવળ સ્ટેશન એ કેટેગરીમાં હોવા છતાં અહીં પાર્કીંગ, રીટાયરીંગ રૂમ સહિત આધુનિક સુવિધાનો અભાવ જોવા મળે છે. વેરાવળ રેલવે સ્‍ટેશનનું વિસ્‍તરણ કરવું જરૂરી હોય જેનો સર્વે કરાવી વ્‍હેલીતકે તે કામગીરી શરૂ કરાવવા માંગણી હોવાનું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...