જૂનાગઢ શહેરની એક વિરાસત સમાન એવા ગીરનારમાંથી નીકળતી બે નદીઓના સંગમ સ્થાનએ બનાવાયેલ ઐતિહાસિક સુદર્શન તળાવને હેરિટેજમાં સમાવિષ્ટ કરી દરજ્જો આપવા માટે ભાજપ અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.
જૂનાગઢ ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢમાં ગીરનારની ગોદમાં સુવર્ણસિકતા એટલે હાલની સોનરખ નદી અને લુપ્ત થઈ ગયેલી પલાશીની નદીનું સંગમ સ્થાન જ્યા હતુ તે સ્થળે ચંદ્રગુપ્ત મોર્યના સમયમાં સૌરાષ્ટ્રના સુબા પુષ્પપતે બંધાવેલું હતુ. આ બંધના કારણે તળાવમાં પાણીનો સંગ્રહ થતો હોવાથી આ તળાવને સુદર્શન તળાવ એવું નામ આપવામાં આવ્યુ હતુ. આ પછી મોર્ય સમ્રાટ અશોકના સમયકાળમાં તેના સુબા યવનરાજ એ ખેતીના સિંચાઈ માટે સુદર્શન તળાવમાંથી નહેર કાઢી હતી. આ બંધનું કામ એટલું મજબુત હતું કે, સાડા ચારસો વર્ષ સુધી ટકી રહ્યુ હતુ.
સવંત 72ના માગસર મહિનાની વદ એકમે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થયેલ હતી. જેમાં ગીરનારમાંથી નીકળતી સુવર્ણસિકતા અને પલાશીની નદીઓમાં ભારે પુર આવતા તે તળાવ તુટી ગયુ હતુ. ત્યારબાદ મહાક્ષત્ર રુદ્રદામન સુબા પહલવ સુવિશાખે જલ્દીથી નિર્ણય લઈ લોકો પાસેથી કોઇપણ જાતના વધારાના કરવેરા કે વેટ લીધા વગર આ બંધને ફરી મજબુત બંધાવ્યો (ઈ.સ.157 માં) હતો. આ બંધ પહેલા કરતા પણ લંબાઈ અને પહોળાઈમાં ત્રણ ગણો મજબુત બન્યો હતો.
આ સંદર્ભેના પુરાતત્વીય, સાહીત્યક અને અન્ય આધારભૂત પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. જેને લઈને ઐતિહાસિક સુદર્શન તળાવને હેરિટેજમાં સમાવિષ્ટ કરી દરજ્જો આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.