તટસ્થ તપાસની માંગણી:નગીચાણા ગામમાં ચૂંટણીના મનદુ:ખની મારામારીમાં તપાસનીશ બદલવા માંગ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શીલ પોલીસે નોંધેલી ફરિયાદમાં હત્યાના પ્રયાસ-કાવતરાંની કલમો ઉમેરવા રજૂઆત

માંગરોળ તાલુકાના શીલ તાબેના નગીચાણા ગામે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ કુટુંબીઓ બાખડ્યા હતા. જેમાં ગામના સરપંચ સહિતનાએ યુવાન પર હુમલો કર્યો હતો. આ બનાવમાં તપાસનીશને બદલવાની અને હત્યાના પ્રયાસની અને કાવતરાની કલમો ઉમેરવાની માંગણી હુમલાનો ભોગ બનનાર યુવાને એસપી સમક્ષ કરી છે.

માંગરોળ તાલુકાના નગીચાણા ગામે ગત તા. 13 એપ્રિલ 2022 ના રોજ ચૂંટણીના વેરઝેરમાં મસરી કાના પીઠિયા સહિત 3 શખ્સોએ પ્રવિણભાઇ કાનાભાઇ પીઠિયા પર હુમલો કર્યો હતો. આ અંગેની ફરિયાદ શીલ પોલીસમાં નોંધાઇ હતી. હાલ પ્રવિણભાઇ સારવાર હેઠળ છે.

તેમણે આ બનાવ અંગે જૂનાગઢના એસપીને કરેલી રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો છેકે, આ ગુનામાં આરોપીઓ ઉપરાંત ષડયંત્ર ઘડવામાં રહેલા આરોપીઓની ઓળખ કરી તેમની અટક કરી તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે. વળી આ ગુનામાં પોલીસે હત્યાના પ્રયાસ અને ષડયંત્રની કલમો ઉમેરી નથી એ ઉમેરવાની માંગ પણ કરાઇ છે.

પ્રવિણભાઇએ આ મામલે ખુદ પોલીસની આરોપી સાથેની સાંઠગાંઠનો આરોપ મૂકતાં જણાવ્યું છેકે, તપાસનીશ આરોપી નં. 2 જેઠાભાઇ ગોવિંદભાઇ પીઠિયાના નજીકના સગા ભાણેજ-જમાઇ થાય છે. અને તેમની શીલ પોલીસ મથકમાં નિયુક્તિ બાદ આ બનાવ બન્યો છે. વળી તેઓની રહેવા-જમવાની વ્યવસ્થા પણ તેનેજ ઘેર છે. આથી આરોપીઓ નગીચાણા ગામમાં ખુલ્લેઆમ કહેતા ફરે છેકે, તપાસનીશ અમારા ઘરના છે. આથી અમારું કોઇ કાંઇ કરી લેવાનું નથી. આથી આ મામલે તટસ્થ તપાસની માંગણી કરાઇ છે.

અમારે તો તટસ્થ તપાસજ કરવાની હોય ને?
ઓળખીતા હોય એનો અર્થ એવો તો નથી કે તપાસ તટસ્થ ન કરીએ. અમારે તો બધા સરખા. અમારે તો તટસ્થ તપાસજ કરવાની હોય. -પીએસઆઇ વાળા, શીલ

અન્ય સમાચારો પણ છે...