કુતરાના ત્રાસ:બાળકને કુતરાએ ફાડી ખાવાની સુરત જેવી ઘટના જૂનાગઢમાં બને તે પહેલા કાર્યવાહી કરવા માંગ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મનપા 20 વર્ષે પણ એનિમલ બર્થ કન્ટ્રોલનો અમલ કરાવી ન શક્યું

જૂનાગઢ શહેરમાં રખડતા ભટકતા શ્વાનોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો હોય કુતરાને પકડી ખસીકરણની કામગીરી સત્વરે કરવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું છે કે, શહેરમાં રખડતા ભટકતા કુતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે.અનેક લોકોને કુતરા બચકાં ભરી ઇજાગ્રસ્ત બનાવે છે. વાહનો પાછળ અચાનક દોડી વાહન ચાલકને પછાડી ઇજાગ્રસ્ત બનાવે છે.

કુતરાના ત્રાસના કારણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકોએ ઘરની બહાર નિકળવું જોખમભર્યું બની ગયું છે.જોવાની ખૂબી એ છે કે, 2001માં એનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ અમલમાં આવ્યો છે. જોકે, 20 વર્ષ પછી પણ જૂનાગઢ મહાનગરપાલિકા તેની અમલવારી કરાવી શક્યું નથી. અનેક વખત તો શ્નાનોના ખસીકરણ માટેનું સ્થાન ફેરવાયું છે.

હાલ જ્યાં ઇવનગર ખાતે બની ગયું છે ત્યાં પણ કોઇ કારણોસર કામગીરી શરૂ કરાઇ નથી. પરિણામે ડોગ સ્ટરીલાઇઝેશન સેન્ટર, શ્નાન પકડવાના પાંજરા ધૂળ ખાય છે અને લોકો કુતરાના ત્રાસનો સામનો કરે છે. હાલમાં સુરતમાં બનેલી એક ઘટનામાં કેટલાક શ્નાનોએ ફાડી ખાતા બાળકીનું કમકમાટીભર્યું મોત થયું હતું. ત્યારે શું જૂનાગઢમાં પણ સુરત જેવી ઘટના બને અને કોઇનો ભોગ લેવાય પછી મહાનગરપાલિકા તંત્ર જાગશે કે શું?

અન્ય સમાચારો પણ છે...