લોકાર્પણ:જૂનાગઢ શહેરમાં અક્ષર મંદિરે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું લોકાર્પણ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ શહેરનાં આંગણે શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્વના વિકાસનો ત્રિવેણી સંગમ જોવા મળશે

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમાજને ત્રીસ ઉપરાંત સ્કૂલ, રેસિડેન્શિયલ સ્કૂલ, ગુરુકુળ તથા ભવ્ય છાત્રાલયોની ભેટ મળી છે. જ્યાં વિદ્યાર્થીઓ ઊપનિષદ કાળની અનુભૂતિ કરાવતી પરા-અપરા વિદ્યાનું જ્ઞાન મેળવે છે. તેજ શૃંખલામાં જૂનાગઢ શહેરમાં નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરનો ભવ્ય પ્રારંભ ૩ મે,મંગળવાર- અખાત્રીજના પરમ પવિત્ર દિવસે સંસ્થાના સંત ભક્તિપ્રિય સ્વામીના સાનિધ્યમાં કરાયો છે.

આ તકે શહેરના વંથલી રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો સોળમો પાટોત્સવ ઠાકોરજીના અભિષેક દ્વારા તથા મહાપૂજા દ્વારા સંપન્ન થયો હતો. ત્યાર બાદ ભક્તિપ્રિય સ્વામીના વરદ્ હસ્તે નુતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરનું ઉદ્ઘાટન થયું હતું. સાંજે જ્ઞાનવત્સલસ્વામીએ પણ મહાનુભાવો, સંતો સાથે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરમાં ઉદ્ઘાટન કરીને પ્રવેશ કર્યો હતો.

આ પ્રસંગે યોજાયેલ સભામાં વર્તમાન સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી, જી.પી. કાઠી, પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહિલ, ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એન.કે. ગોટિયા, એડવોકેટ કિરીટ સંઘવી તેમજ જૂનાગઢ શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, વિવિધ મંદિરના સંતો-મહંતો તથા વિદ્યાર્થી-વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વિદ્યામંદિરનો સંકલ્પ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કર્યો હતો જેથી સૌરાષ્ટ્ર વિસ્તારના બાળકો ખૂબ સારી સુવિધા સાથે શિક્ષણ મેળવી શકે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ સંકલ્પને સ્વયં પુષ્ટિ પ્રેરણા આપી સાકાર કર્યો છે. સભા કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામીએ આ વિદ્યામંદિરનો હેતુ જણાવ્યો હતો.

તેમજ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે વિડિયો માધ્યમથી આશીર્વાદ પાઠવ્યા. આ શુભ પ્રસંગે સંસ્થાના સંત ભક્તિપ્રિય સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, અહી વિદ્યામંદિરમાં ઉચ્ચ જીવનના પાઠો પઢાવવામાં આવે છે. પ્રતિ વર્ષે બીએપીએસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરીને ગુજરાતમાં ટોપ ક્રમે આવે છે તે એમનું ફળ છે.

તેમજ મોટીવેશનલ સ્પીકર જ્ઞાનવત્સલ સ્વામીએ વિદ્યા મંદિરની મહત્તા તથા અનિવાર્યતા દર્શાવતા શિક્ષણ સાથે ખાસ સંસ્કારને ભાર આપતા વાત કરી હતી.આજે જ્યારે ભારત વર્ષ વિકાસના પંથે છે. તેમણે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ આ માટે કહેતા કે જો તમે તમારા સંતાનો ને સંસ્કાર નહીં આપો તો તમારે સંપતિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે.

લોકાર્પણ થયેલ આ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં નર્સરી, જુનિયર કેજી, સિનીયર કેજી થી શરૂ કરી ધોરણ 1 થી 10 અને 11-12 સાયન્સ/કોમર્સનું શિક્ષણ પૂરું પાડશે.

અન્ય સમાચારો પણ છે...