કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી મહા શિવરાત્રીનો મેળો યોજાયો ન હતો. ચાલુ વર્ષે મહાવદ નોમ 25 ફેબ્રુઆરીથી લઇને મહાવદ તેરસ 1 માર્ચ સુધી મહા શિવરાત્રીનો મેળો યોજાશે. જોકે, લાંબા સમયની પ્રતિક્ષા બાદ પણ મેળા અંગે સરકારનો કોઇ નિર્ણય લેવાયો ન હોય મેળો યોજાશે કે નહિ? તેને લઇને તમામ લોકોના મનમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે મેળાને લઇને મનપાનું એક પ્રતિનિધી મંડળ રજૂઆત કરવા ગાંધીનગર ગયું છે.
જૂનાગઢના ભવનાથ ખાતે પ્રતિ વર્ષ યોજાતા મહા શિવરાત્રી મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. હવે મેળા આડે માત્ર ગણતરીના જ દિવસો બાકી હોય મહાનગરપાલિકાના શાસકોના એક પ્રતિનિધી મંડળે ગાંધીનગર સુધી દોડધામ હાથ ધરી છે. ખાસ કરીને આ પ્રતિનિધી મંડળે સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષને મળી રજૂઆત કરી છે.
આ અંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, અમારા પ્રતિનીધી મંડળે મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી અરવિંદભાઇ રૈયાણીની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ગાંધીનગર ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ખાસ કરીને મહા શિવરાત્રી મેળો યોજવા માટેની રજૂઆત કરાઇ હતી. દરમિયાન સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ વગેરે તમામ મહા શિવરાત્રી મેળાને લઇ હકારાત્મક અભિગમ ધરાવે છે.
તેમણે જણાવ્યું હતુ કે, કોરોનાની ગાઇડ લાઇન મુજબ મેળો યોજવા અંગે સરકાર 2 દિવસમાં નિર્ણય લઇ લેશે. તમામ લોકો માટે મેળો યોજાશે, માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે જેનો 2 દિવસમાં નિર્ણય લઇ વિધીવત જાહેરાત કરાશે. સીએમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથેની ગાંધીનગરની બેઠકમાં મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી અરવિંદભાઇ રૈયાણી, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મહામંત્રી શૈલેષભાઇ દવે, સંજયભાઇ મણવર વગેરેની ઉપસ્થિતી રહી હતી.
ઉતારા મંડળ સ્ટેન્ડ બાય
મેળો યોજવા અંગે સરકારે હજુ કોઇ નિર્ણય કર્યો નથી પરિણામે ઉતારા મંડળને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ફાળો ઉઘરાવવો કે નહિ, અનાજ ઉઘરાવવું કે નહી, આવવું કે નહિ તે અંગેના ફોન ચાલુ થઇ ગયા છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્રએ આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ કરી સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી જાણકારી આપવી જોઇએ. જોકે, મેળાને લઇને બહુ મોડું થઇ ગયું છે છત્તાં ઉતારા મંડળ તો સ્ટેન્ડ બાય છે. સરકાર મંજૂરી આપે એટલે ઉતારા મંડળો અન્નક્ષેત્રો ધમધમતા કરવા તત્પર છે. - ભાવેશભાઇ વેકરીયા, ભવનાથ ઉતારા મંડળ.
તાત્કાલિક બેઠક કરવી જરૂરી
સરકાર મેળા માટે 2 દિવસમાં નિર્ણય જાહેર કરે તેની સાથે જ મેળા સલંગ્ન સ્થાનિક તંત્ર સાથે બેઠક કરવી જરૂરી છે જેથી મેળાને આનુષંગિક તૈયારી કરી શકાય. ખાસ કરીને કોર્પોરેશન, રેલવે, એસટી, વન વિભાગ, પોલીસ તંત્ર સાથે બેઠક કરવી જરૂરી છે.
તંત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડે
મેળો યોજાય તો આવનારા યાત્રાળુ, ભાવિકોને કોઇ અગવડતા ન પડે તે માટે તંત્રએ રોડ, રસ્તા, પીવાનું પાણી, લાઇટ, ગટર, સફાઇ વગેરે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જરૂરી છે. આના માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવી પડશે.
મેળો નહિ યોજાય તો આંદોલન : કોંગ્રેસ
છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે મેળો બંધ હતો. આ વર્ષે કોરોનાના કેસ નામ માત્રના રહ્યા છે, વેક્સિન પણ થઇ ગયું છે. ત્યારે મહા શિવરાત્રીનો મેળો યોજવો જોઇએ. જો સરકાર મેળાની મંજુરી નહિ આપે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. - અમિત પટેલ, પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.