તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરુણાંતિકા:જૂનાગઢના તલાટીમંત્રીનો જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ, તાલાલા-સાસણ રોડ પર કારચાલકે હડફેટે લેતા મોત

તાલાલા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
માર્ગ અકસ્માતમાં તલાટીમંત્રીનું મોત - Divya Bhaskar
માર્ગ અકસ્માતમાં તલાટીમંત્રીનું મોત
  • બાઈક પર સવાર પત્ની અને પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા
  • મૃત્‍યુના સમાચારથી લુશાળા, ધાવા ગીર સહિતના ત્રણ ગામોએ સજ્જડ બંધ પાળી શ્રદ્ધાજંલી પાઠવી

જૂનાગઢ જિલ્લામાં એક કરૂણ બનાવ સામે આવ્યો છે. જન્મદિવસે નિમિતે જ તલાટીમંત્રીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા તેના ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. તાલાલા-સાસણ રોડ પર સોમવારે રાત્રિના એક કાર ચાલકે બાઈક સવાર તલાટીમંત્રીને હડફેટે લેતા મોત નિપજ્યું હતું. તો તલાટીમંત્રીના પત્ની અને પુત્રને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

સાસણના નિવૃત ફોરેસ્‍ટ અઘિકારીના યુવા પુત્ર તલાટીમંત્રી રવિભાઈ બાલકૃષ્ણભાઈ દવે (ઉ.વ.35)નો સોમવારે જન્મ દિવસ હોવાથી તાલાલામાં સસરાને ઘરે જમીને રાત્રિના પરત પોતાના ઘરે ભોજદે ગામ બાઇક પર જઇ રહેલા હતા. ત્‍યારે રસ્‍તામાં કાળા કલરની ક્રેટા કારના ચાલકે બાઇકને હડફેટે લઇ અકસ્‍માત સર્જયો હતો. જેમાં તલાટીમંત્રીનું મૃત્‍યુ થયુ હતુ. જયારે તેમના પત્‍ની દર્શનાબેન (ઉ.વ.28) તથા પુત્ર કુશલ (ઉ.વ.8)ને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવેલા હતા.

જન્મદિવસ જ મૃત્યુદિવસ બન્યો
તલાટી મંત્રી રવિભાઈ દવેનો સોમવારે જન્મદિવસ હતો. તેઓ ગતરાત્રે દસેક વાગ્યા દરમિયાન સસરાના ઘરેથી જમીને તાલાલાથી બાઈક પર પત્ની તથા પુત્રને લઈને ભોજદે ગામ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે તાલાલા-સાસણ રોડ પર બોરવાવ ગામના પાટિયા પાસે સામેથી પૂરઝડપે આવતી ક્રેટા કારે તેમના બાઈકને હડફેટે લીધું હતું. જેમાં બાઇકનો કચ્‍ચરઘાણ બોલી જવાથી તલાટીમંત્રી રવિભાઇને ગંભીર ઈજા પહોંચી હોવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્‍યુ નિપજેલુ હતુ. જયારે તેમના પત્‍ની તથા પુત્રને ગંભીર ઈજા પહોંચી હોવાથી પ્રથમ તાલાલામાં પ્રાથમીક સારવાર આપ્‍યા બાદ વઘુ સારવાર અર્થે વેરાવળ લઈ જવામાં આવ્યા હતા.

તલાટીમંત્રીના બાઇકને અડફેટે લેનાર ક્રેટા કાર
તલાટીમંત્રીના બાઇકને અડફેટે લેનાર ક્રેટા કાર

છેલ્લા 14 વર્ષથી તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા હતા
અકસ્‍માતની જાણ થતા મોડી રાતે મોટી સંખ્યામાં લોકો અહીંની હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. આ અકસ્‍માત અંગે ભરતભાઇ ચુનીલાલ દવે(રહે. ચિત્રોડ ગીર)ની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જીવલેણ અકસ્માત સર્જીને નાસી ગયેલા ક્રેટા કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે. તલાટીમંત્રી રવિભાઈ દવે તાલાલા તાલુકાના ભોજદે ગામના વતની હતા. છેલ્‍લા 14 વર્ષથી તલાટીમંત્રી તરીકે નોકરી કરતા હતા. હાલ તેઓ લુશાળા તથા ધાવા ગીર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમના અચાનક મૃત્યુના સમાચારથી પંથકમાં શોક પ્રસરી ગયો હતો. જયારે તલાટીમંત્રી રવિભાઇના અકાળે અવસાનના પગલે ભોજદે, લુશાળા અને ધાવા ગામના લોકોએ સજ્જડ બંધ પાળીને પ્રામાણિક કર્મચારી રવિભાઇને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

પ્રમોશન મળે તે પહેલા જ ફાની દુનિયાને અલવિદા કરી
થોડા સમય પૂર્વે જ રવિભાઇએ પ્રમોશન માટેની પરીક્ષા પાસ કરી હોવાથી વિસ્તરણ અધિકારી તરીકે બઢતીના મેરિટ લિસ્ટમાં તેમનું નામ પ્રથમ હતું. પરંતુ કોરોના મહામારીના કારણે જીલ્‍લા પંચાયતમાં બઢતીની પ્રક્રિયા અટકી ગઈ હોવાથી તેઓને નજીકના દિવસમાં જ પ્રમોશન મળવાનું હતુ તેવું તેમના મિત્ર સર્કલમાંથી જાણવા મળેલુ છે.વાવાઝોડાથી અસરગ્રસ્ત ઉના તાલુકાના ગામડાનો સર્વે કરવા તાલાલા તાલુકામાંથી 10 તલાટી કમ મંત્રીઓ ઉના ગયા હતા. જયાંથી તા.31 ના રોજ પરત ફરતી વેળાએ રવિભાઈએ રસ્તામાં જ ‘આજે મારો જન્મ દિવસ છે' તેમ કહીને સાથી મિત્રોને ચા-નાસ્તો પણ કરાવ્યો હતો. આમ, પળભરમાં રવિભાઇના આ અંતિમ શબ્‍દો તેમના સાથીમિત્રો માટે કાયમીના સંભારણું બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...