ભારત જીરાનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. ભારત ઉપરાંત જીરાનું વાવેતર સીરીયા, ઇરાન, તુર્કી, ચીન અને લેટીન અમેરીકામાં થાય છે. પરંતુ એ દેશોનું ઉત્પાદન મોડુ જૂન- જુલાઇમાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનએ જીરાનું ઉત્પાદન કરતા બે મુખ્ય રાજ્યો છે. જે દેશના કુલ ઉત્પાદનમાં 95 ટકા હિસ્સો ધરાવી રહ્યાં છે.
અને સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે જીરાની નોંધ પાત્ર માંગ છે. ગતવર્ષ 2021-22માં જીરાનું વાવેતર અને ઉત્પાદન અગાઉના વર્ષની સરખામણીએ 30 ટકા જેટલુ ઓછુ થયું હતું. તેમજ કમોસમી વરસાદ અને ઝાકળના લીધે પણ પાક ફેલ થયો હતો. વર્ષ 2020,21ની વાત કરીએ તો 2.98 લાખ ટન જીરાની નિકાસ થઈ હતી. જે વર્ષ 2021,22માં ઘટીને 2.17 લાખ ટન થઈ છે.
ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં સ્ટોકની અછતના લીધે ભાવ વધતા માત્ર 1.46 લાખ ટન જીરાની નિકાસ થઈ છે. જાન્યુઆરીમાં ગુજરાતમાં જીરાનો પ્રતિમણ ભાવ 3 હજાર જેટલો હતો. જે મે 2022માં 3800 થયા અને જાન્યુઆરી 2023માં તો ભાવ 6 હજારે પહોંચી ગયો હતો.
જો કે, નવા જીરાની આવક થતા હાલ છેલ્લા એક સપ્તાહથી 5500 જેટલા ભાવ બોલાઈ રહ્યાં છે. દેશમાં જીરાનું ઉત્પાદન અને બજારના અહેવાલોને ધ્યાને લઈ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ જૂનાગઢ, ટીમે રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરાના માસીક ભાવનું વિશ્લેષણ કર્યુ છે. જે તારણ મુજબ માર્ચ-અેપ્રિલમાં એટલે કે જીરાની કાપણી સમયે પ્રતિમણ 5500 થી 6100નો ભાવ જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરી છે. હજુ આગામી દિવસોમાં પણ જીરાના ભાવમાં ઉછાળો આવી શકે તેમ છે.
ચાલુ વર્ષ વાવેતર ઘટ્યું
ગુજરાતમાં ચાલુ વર્ષમાં જીરાનું વાવેતર ઘટીને 2.92 લાખ હેક્ટરમાં થયું છે. ગત વર્ષે 3.07 હેક્ટરમાં હતુ. જેથી 2.47 લાખ ટન જેટલુ ઉત્પાદન થઈ શકે છે. આ સાથે જીરાના વાવેતર સમયે ગરમી બાદમાં ઝાકળ વર્ષના કારણે પણ ઉત્પાદન ઓછુ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.