કડક કાર્યવાહી:શ્રી લંબેહનુમાનજીના દર્શન માટે ઉમટેલી ભીડ: રાત્રીના 12.25 પોલીસે જનતાને પણ ઘરે મોકલી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢનાં ભવનાથમાં પોલીસની કડક કાર્યવાહી : દંડ વસુલાત,વાહન ડિટેન કરાયા
  • પોલીસની કાર્યવાહીથી આવારા તત્વોમાં ભય રહ્યો પણ પરિવાર સાથે શાંતચિત્તે બેઠેલા લોકોને પણ પોલીસે આંખ બતાવી

જૂનાગઢના ભવનાથ તિર્થક્ષેત્રમાં આવતા લોકોની સંખ્યા શિયાળામાં ખાસ વધતી હોય છે. ખાસ કરીને શનિ-રવિની રજામાં રાત્રીના 9.30 થી લોકો અહિં ઉમટે છે. છેલ્લા કેટલાક દિવસોથી અહિં વધી રહેલી આવારાગીરીથી લોકો પરેશાન હતા. પણ બે દિવસથી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ થતા ગત રાત્રે ભવનાથ વિસ્તારમાં માહોલ શાંત રહ્યો હતો. આવારા તત્વો અને શાંતિનો ભંગ કરતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરીને દંડની વસુલાત કરવાથી લઈને વાહનો ડિટેઇન પણ કર્યા હતા. શનિવારની રાત્રે ભવનાથ તિર્થક્ષેત્રમાં લોકોની ભીડ રહેતી હોય છે.

મોટાભાગના લોકો શ્રી લંબેહનુમાનજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને પરિવાર સાથે કુદરતી વાતાવરણમાં શાંતિ માણવા આવતા લોકોને પડતી મુશ્કેલીઓ ચિંતાનો વિષય હતી. ત્યારે દિવ્ય ભાસ્કરે જનતાનો અવાજ બનવાનું નક્કી કર્યું. તિર્થક્ષેત્રમાં અવારાગીરી કે ગુંડાગીરી ન ચાલવી જોઈએ તેવો સુર ઉઠતા પોલીસ તંત્રએ જનતાની પીડાને સમજીને બે દિવસથી અહીં નજર રાખવાનું શરૂં કર્યું હતું.શનિવારે રાત્રે ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. જોકે, આવારાગીરી ઓછી હતી પોલીસે કેટલાક શાંતિ વિરોધી તત્વો સામે કાર્યવાહી શરૂ કરી હતી. પણ રાત્રીના 12.15 વાગ્યાથી લોકોને પણ ભવનાથ ક્ષેત્ર છોડી દેવા કાર્યવાહી શરૂ કરી વ્યાપાર ધંધાઓ પણ બંધ કરાવ્યા હતા.

ત્યારે લોકોના મનમાં સવાલ એ છે આ તિર્થક્ષેત્રમાં લોકો શાંતિ લેવા માટે આવતા હોય છે. અહિં પોલીસનો ખોફ આવારાતત્વો ઉપર હોવો જ જોઈએ. જનતાને સલામતી આપવાની જવાબદારી કાયદો અને ન્યાય વિભાગની છે. પણ અહિં રાત્રીના 12.15 પછી જે કડક વલણ અપનાવવામાં આવ્યા તેનાથી લોકોમાં રોષ છે. કારણ કે, ભારતના બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી જેનો અમલ અહીં થઇ રહ્યો હોય! મુક્ત વેપારની સરકારની નીતિનો પણ અહીં અમલ થતો નથી જેનાથી અનેક સવાલો ઉભા થયા છે

બંધારણની કલમ 29[1] ડી મુજબ નાગરિકોને મળ્યો છે અધિકાર
જૂનાગઢના ભવનાથ તિર્થક્ષેત્રમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠતા પોલીસ તંત્રે અહિં આવારાગીરી અને ગુંડાગીરી કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે. પણ બીજી તરફ જનતાને રાત્રીના 12 પછી ઘરે મોકલી દેવાની કાર્યવાહી ક્યાં નિયમોને આધીન થઇ રહી છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ભારતના બંધારણમાં કલમ 29[1] ડી મુજબ ભારત દેશના નાગરિકને દેશના કોઈપણ ભૂ -ભાગમાં મુક્તપણે હરવા ફરવાનો અધિકાર છે. તેમ છતાં રાત્રીના 12 વાગ્યે દુકાનો બંધ કરવાનો કોઈ કાયદો કે જાહેરનામું હોય તો પોલીસે તેની અમલવારી ચોક્કસ કરવી જોઈએ પરંતુ સાથે લોકોને જાગૃત પણ કરવા જોઈએ કે આ નિયમ અને જાહેરનામા મુજબ રાત્રીના 12 વાગ્યા પછી ભવનાથ વિસ્તારમાં બેસવું નહીં કે વેપાર કરવો નહીં. કાયદાની જોગવાઈ મુજબ સ્વતંત્રતા છે પણ શાંતિનો ભંગ કરવાનો અધિકાર કોઈને નથી એ વાત ચોક્કસ પણ લોકોને તેના અધિકારથી વંચિત કરવા ન જોઈએ તેમ પ્રબુદ્ધ નાગરિકો પણ માની રહ્યા છે.

150 વાહન ચેકીંગ, 6,000નો દંડ, 3 વાહન ડિટેઇન
શનિ અને રવિ દરમિયાન પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં પસાર થતા 150થી વધુ વાહનો ચાલકોને રોકીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. આમાં 40 વાહન ચાલકો પાસે ડોક્યુમેન્ટ ન હોય 6,000નો દંડ વસુલ્યો છે. જ્યારે 3 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. > મહિપતસિંહ ચુડાસમા, ભવનાથ પીએસઆઇ

અન્ય સમાચારો પણ છે...