સજા:જૂનાગઢના ઉમરાળાની સીમમાં અઢી વર્ષ પૂર્વે થયેલ હત્યાના કેસમાં કોર્ટે પ્રૌઢને આજીવન કેદ ફટકારી

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે આજીવન કારાવાસ સાથે પાંચ હજારનો દંડ અને મૃતકના પરિવારને સરકારની વળતર સ્કીમ હેઠળ 50 હજાર ચુકવવા હુકમ
  • અઢી વર્ષ પૂર્વે વાડ કાપવાનું કામ રાખેલ ત્યારે ખુની હુમલાની ઘટના બનેલ

જૂનાગઢ જિલ્લાના બીલખા નજીકના ઉમરાળા ગામની સીમમાં મે - 2019 માં વાડ કાપવાનું કામ રાખેલ ત્યારે બોલાચાલી થતા મૂળ બીલખાના અને હાલ જૂનાગઢ રહેતા પ્રૌઢે કુહાડીના ઘા ઝીંકી સરસઈ ગામના પ્રૌઢની હત્યા કરી નાંખી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે પ્રૌઢને આજીવન કેદની સજા ઉપરાંત પાંચ હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના સરસઈ ગામના બીપીનભાઈ કાળુભાઇ રાઠોડ અને મૂળ બીલખા અને હાલ જૂનાગઢ રહેતા ભુપત ભીખા રાઠોડે બીલખા નજીકના ઉમરાળા ગામની સીમમાં વાડ કાપવાનું કામ ઉધડુ રાખ્યું હતું. આ કામને લઈ અઢી વર્ષ પૂર્વે તા.25-5-2019 ના રોજ બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ હતી. એ સમયે ભુપત રાઠોડે ઉશ્કેરાઈ જઇ બીપીનભાઇને કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ અંગે બીલખા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી.

આ અંગેનો કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટેમાં ચાલી જતા ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ રિઝવાનાબેન બુખારીએ સરકારી વકીલ જે. એન. દેવાણીની દલીલો અને 25 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લઈ ભુપત ભીખા રાઠોડને તકસી૨વાન ઠેરવી આજીવન કેદની સજા ઉપરાંત પાંચ હજાર રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. મૃતકના પરિવારને ભોગવવી પડેલી યાતના અને દુઃખ માટે સરકારની વળતર સ્કીમ હેઠળ 50 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...