મિલ્કત જપ્તીનો આદેશ:જૂનાગઢમાં ફાયરીંગમાં ઇજાગ્રસ્ત શ્રમિકને વળતર ન ચુકવતા હોમગાર્ડના બે વાહન સીઝ કરવા કોર્ટે હુકમ કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના ઈવનગર પાસે ફાયરીંગ બટ બહારનો વિસ્તાર હોવાનું સિવિલ કોર્ટે માની ઈજાગ્રસ્ત શ્રમિકને નવ ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા હુકમ કરેલ

જૂનાગઢ તાલુકાના ઇવનગર નજીક હોમગાર્ડ જવાનોના ફાયરીંગ બટ બહાર વાડીમાં કામ કરતા એક શ્રમિકને ગોળી વાગી જતા તેને ઇજા થઇ હતી. આ કિસ્સામાં શ્રમિકે વળતર માટે દાવો કરેલ જેમાં સિવિલ કોર્ટે ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ.60 હજાર નવ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો હતો. તેમ છતાં હોમગાર્ડ દ્વારા ૨કમ ન ચૂકવવામાં આવતા કોર્ટેના હુકમથી હોમગાર્ડના બે વાહનો સીઝ કરાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ઇવનગર નજીક આવેલા ફાયરીંગ બટ વિસ્તારમાં હોમગાર્ડ જવાનો ફાયરીંગ કરી રહ્યા હતા. એ સમયે ફાયરીંગ બટ બહારના વિસ્તારમાં વાડીમાં કામ કરતા વિજયભાઈ જીવરાજભાઈ મકવાણા નામના શ્રમિકને ગોળી વાગતા ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટનામાં સારવાર બાદ શ્રમિકે વળતર માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

આ અંગે એડવોકેટ કે.બી. સંઘવીએ જણાવેલ કે, વિજયભાઈ મકવાણા જે સ્થળે કામ કરતા હતા તે ફાયરીંગ બટ બહારનો વિસ્તાર હોવાનું કોર્ટે માન્યુ હતુ. જેથી સિવિલ જજ એમ.જે. ઝાલાએ ફાયરીંગના કારણે ઇજા થવા બદલ હોમગાર્ડને રૂ.60 હજાર નવ ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા આદેશ કર્યો હતો. તેમ છતાં વળતર ચુકવવામાં ન આવતા કોર્ટે જપ્તી વોરંટ ઈશ્યુ કરી બે વાહનોને સીઝ કરવા હુકમ કરતા હોમગાર્ડના બે વાહન સીઝ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે હોમગાર્ડ દ્વારા વળતર ચુકવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...