નૂતન વર્ષાભિનંદન:કોરોનાની અસર હવામાં ઓગળી ગઇ, હવે જીવનને માણવાનો અવસર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રકાશનાં પર્વે જૂનાગઢ શહેર ઝગમગી ઉઠ્યું, દિવાળીનાં મોડી રાત્રી સુધી ફટાકડા ફુટ્યા - Divya Bhaskar
પ્રકાશનાં પર્વે જૂનાગઢ શહેર ઝગમગી ઉઠ્યું, દિવાળીનાં મોડી રાત્રી સુધી ફટાકડા ફુટ્યા

ગયે વર્ષે કોરોનાને લીધે બધા તહેવારની ઉજવણી ફીકી રહી હતી. પણ કોરોનાની રસીના બે ડોઝ પછી હવે કોરોનાનો બધો ડર હવામાં ઓગળી ગયો છે. આ વાત દિવાળી અગાઉથી બજારોમાં દેખાયેલી ભીડ, હોટલ-ગેસ્ટ હાઉસના હાઉસફૂલ બુકીંગે સાબિત કરી દીધું છે. આજે દિવાળી ધામધૂમથી ઉજવી એમજ બેસતા વર્ષની ઉજવણીમાં કોઇ કસર નથી છોડવાનું. ભરચક ઘરાકીને લીધે તમામ પ્રકારના ધંધાર્થીઓના ઘરોમાં દિવાળી છે. લોકો હવે આધુનિકતામાં પરંપરાનો ટચ શોધતા થઇ ગયા એ સોશ્યલ મીડિયાના કેમ્પેઇનોની હકારાત્મક ફલશ્રુતિ છે.

આજે નવાં કપડાં પહેરી બહાર જવાનો દિવસ છે. કોરોનાની બીજી લહેર વખતે જીવન જીવી લેવું જોઇએ એવું સત્ય બધાને સમજાઇ ગયું કદાચ એનીજ આ અસર કહી શકાય. એ રીતે જોઇએ તો દિવાળીના ભલે ચારજ દિવસ હોય. લોકોમાં ઉજવણીનો ઉત્સાહ તો અઠવાડિયાથી દેખાવા લાગ્યો હતો. જેટલી ખરીદી લોકોએ બજારોમાંથી કરી એટલીજ ઓનલાઇન કરી છે. તેમાં એટલો ટ્રેન્ડ એ રીતે બદલાયો કે, આ વખતે લોકોએ વાહનો કરતાં સંપત્તિ જેવા આયામોમાં વધુ પૈસા રોક્યા. જૂનાગઢ જેવા શહેરોમાં બ્રાન્ડેડ કપડાં, ફૂટવેર, જ્વેલરીના શોરૂમો ખુલી ચૂક્યા છે એમાં છેલ્લા 15-20 દિવસોથી ઘરાકી હતી. તેની પેટર્ન દિવસને બદલે સાંજથી રાત સુધીમાં ખરીદી કરવાની રહી. .

પેટ્રોલની કિંમત 100 ને પાર કરી જવા છત્તાં બજારમાં કાર કે ટુ વ્હીલરની અવરજવરમાં કોઇજ ઘટાડો નથી દેખાયો. આજે હજુ સગાંવ્હાલાં, મિત્રો, સ્નેહીજનો, જ્ઞાતિજનોને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાની બાકી છે. ત્યારે નવા વર્ષથી સહુ જીવનની ગાડી ફરી સડસડાટ દોડવા લાગે, કોરોના ફરી જીવનમાં ન આવે એવી શુભેચ્છાઓજ સંભળાશે એમાં બેમત નથી.

આ લોકોને લીધે જ આપણી દિવાળી સુવિધામય રહે છે
અખબાર વિતરકો, દૂધવાળા, સફાઇ કર્મચારી, વોટર વર્કસ કર્મચારી, પેટ્રોલ પંપ કર્મચારી, પીજીવીસીએલના લાઇનમેન, પોલીસ, મોબાઇલ કંપનીનો ટેક્નિકલ સ્ટાફ, જેવા નાના કર્મચારીઓનો બેસતા વર્ષની ઉજવણીનો તત્પૂરતો ત્યાગ જ આપણી દિવાળીને સુવિધાસભર બનાવે છે એ ભૂલવા જેવું નથી.

વડીલોને પગે લાગવાની પરંપરા આપણી જવાબદારી
આધુનિકતા અને અંગ્રેજી માધ્યમનો આંધળો મોહ નવી પેઢીને પરંપરા પ્રત્યે નિરૂત્સાહી ન બનાવે એ મહત્વનું છે. વડીલોને પગે લાગવાની પરંપરા સાવ બંધ નથી થઇ. પણ શહેરોમાં ધીમા પગલે સિમીત થતી જાય છે. ત્યારે તેને જાળવવાની જવાબદારી આજથીજ નિભાવવી જરૂરી બની છે.

જૂનાગઢની રેસ્ટોરન્ટને ચાંદી જ ચાંદી
રોપ-વે બની ગયા પછી હવે તેના સારા પરિણામો દેખાવા લાગ્યા છે. માત્ર રજાના દિવસોને બદલે આખું વર્ષ બહારગામની મોટરકારોથી ગીરનાર રોડ ધમધમે છે. રોજ બપોરે સક્કરબાગનું પાર્કિંગ આ વાહનોથી ભરચક હોય છે. એજ આ વાતની સાબિતી છે. દિવાળીમાં એ સંખ્યા હવે બેવડાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...