સપ્લાયની ચેઇન તૂટી!:જૂનાગઢમાં કોરોના વેક્સિન ખલાસ, કેમ્પ રદ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની રસીનો જથ્થો અપાઇ તેવી માંગ ઉઠી છે. શુક્રવાર બપોર સુધીમાં રસી ખાલી થઇ જતાં કેન્દ્રો પર તાળાં લાગ્યા હતા. - Divya Bhaskar
સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં કોરોનાની રસીનો જથ્થો અપાઇ તેવી માંગ ઉઠી છે. શુક્રવાર બપોર સુધીમાં રસી ખાલી થઇ જતાં કેન્દ્રો પર તાળાં લાગ્યા હતા.
  • 6 જેટલી સેવાભાવી સંસ્થાએ શનિ, રવિમાં કોરોના વેક્સિન માટે કેમ્પનું આયોજન કર્યું હતું
  • રસીનું સમયસર આયોજન ન થતાં કેમ્પ રદ થયાની જાણ કરવી પડી

જૂનાગઢ શહેર અને જિલ્લામાં સપ્લાયની ચેઇન તૂટતા સમયસર કોરોના વેક્સિનનો જથ્થો પહોંચી શક્યો ન હતો. પરિણામે શુક્રવાર બપોર બાદ જ વેક્સિન સેન્ટરોને બંધ કરવાની નોબત આવી હતી. આ અંગે મળતી વિગત મુજબ વધુને વધુ લોકો કોરોના વેક્સિન લે તે માટે રાજ્ય સરકારે મોટા ઉપાડે કોરોના વેક્સિન મહાઅભિયાનની શરૂઆત કરી હતી.

જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં 21 જૂન વિશ્વ યોગ દિવસથી 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન અપાવવા સરકારે જાણે કમર કસી હોય તેમ કોરોના વેક્સિન સેન્ટરોની સંખ્યામાં પણ રાતોરાત વધારો કરી દીધો હતો. સાથે અગાઉ જે સાંજના 5 વાગ્યે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કડાકૂટ હતી તેમાંથી પણ મુક્તિ આપી સ્થળ પર જ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી રસી અપાવવાની શરૂઆત કરાઇ હતી. દરમિયાન જૂનાગઢમાં મનપા દ્વારા વિવિધ વોર્ડમાં 23 કોરોના વેક્સિન સેન્ટર બનાવી ત્યાં કોરોના રસીકરણની શરૂઆત કરી હતી.

જોકે, શુક્રવારે રસીનો જથ્થો ખલ્લાસ થઇ જતા બપોર બાદ રસીકરણ થઇ શક્યું ન હતું. એટલું જ નહિ 6 જેટલી સેવાભાવી સંસ્થા દ્વારા શહેરમાં શનિ, રવિ રસીકરણ કેમ્પનું આયોજન કરી નાંખ્યું હતું. પરંતુ રસીના જથ્થાનું યોગ્ય આયોજન ન થતા રસીના અભાવે સેવાભાવી સંસ્થાઓને પણ કોરોના વેક્સિન માટેના યોજાનાર કેમ્પ કેન્સલ કરવાની ફરજ પડી હતી.

એક દિવસ રેકોર્ડ, બીજા દિવસે ધબાય નમ:

હજુ તો ગુરૂવારે એક જ દિવસમાં 20,923 લોકોને રેકોર્ડ બ્રેક રસીકરણ કરાયું હતું. જોકે, બીજા દિવસે (શુક્રવારે) જ રસીનો સ્ટોક ખતમ થઇ જતા 13246ને રસી આપ્યા બાદ રસીકરણ સેન્ટરોને બંધ કરવા પડ્યા હતા. હવે શનિ, રવિ શું થાય છે તે જોવું રહ્યું.​​​​​​​

રસીનો જથ્થો આવી જશે
રસીનો જથ્થો ખલાસ થયો છે, પરંતુ શુક્રવાર પુરતો. શનિવારનો જથ્થો મોડી સાંજ સુધીમાં આવી જશે. રસી ન આવે તો શું કરવું ? તેવું વિચારી કેમ્પના આયોજકોએ કેમ્પ રદ કર્યા છે. કેટલાક લોકો ખોટા ઉતાવડા થઇને, 2 દિવસ વેક્સિન નહી આવે તેવા મેસેજ કરવા લાગ્યા છે. શનિવારે 99 ટકા વેક્સિન કામગીરી ચાલુ રહેશે. > ડો. રવિ ડેડાણીયા

​​​​​​​કલેકટરે કહ્યું હતું, જિલ્લાને કોરોના મુક્ત કરવો છે
હજુ તો નવનિયુક્ત જિલ્લા કલેકટર રચિત રાજે ચાર્જ સંભાળ્યા બાદની પ્રથમ બેઠકમાં જ કહ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવો છે તેમજ કોરોના મુક્ત બનાવવો છે. જેના માટે વેક્સિનેશનને પ્રાથમિકતા અપાશે. 18 થી વધુ વયના તમામ લોકોને 100 ટકા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાવવાનું લક્ષ્યાંક છે. અધિકારીઓ ગમે તેટલી તાકાત લગાવે જો કોરોના રસીનો જથ્થો જ સમયસર ન આવે તો લક્ષ્યાંક ક્યાંથી સિદ્ધ થાય?

6 સંસ્થાઓનું આયોજન રદ્દ
​​​​​​​શહેરમાં જશ કન્સલટન્સી દ્વારા શનિવારે યોજાનાર રસીકરણનો કેમ્પ રદ કરાયો છે. જ્યારે જગન્નાથ મંદિરે પણ શનિવારે યોજાનાર રસીકરણનો કેમ્પ રદ કાયો છે. આ રીતે કુલ 6 થી વધુ સંસ્થાના શનિ, રવિના યોજાનાર કેમ્પો રદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...