તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:સોરઠનાં ગામડાઓમાં ટેસ્ટ કીટનાં અભાવે કોરોના ટેસ્ટીંગ થતું નથી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દામોદરકુંડે ગામડાઓમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રોજ 700થી વધુ લોકો અસ્થિ વિસર્જન માટે આવી રહ્યાં છે. - Divya Bhaskar
દામોદરકુંડે ગામડાઓમાંથી અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રોજ 700થી વધુ લોકો અસ્થિ વિસર્જન માટે આવી રહ્યાં છે.
  • જૂનાગઢ અને ગિર સોમનાથના PHC અને CHCમાં અનેક જગ્યાએ સ્ટાફની પણ ઘટ
  • સોરઠનાં ગામડાઓમાં હોમ આઇસોલેટ થયા પછી કોઇ ભાવ પૂછતું નથી
  • ટેસ્ટ ન થવાને લીધે લોકો ગામમાં ફરે છે અને થઇ રહ્યું છે સંક્રમણ

સોરઠમાં રોજે હજાર નજીક કોરોનાના કેસ આવી રહ્યા છે. જોકે, આ આંકડા પણ સરકારી છે. મૃત્યુ રોજના 10 થઇ રહ્યા છે. પરંતુ હકીકતે ગામડાઓમાં વધારે મોત થાય છે. અનેક તાલુકામાં નવા સ્મશાન ઉભા કરાયા છે. લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. તેની પાછળ મુખ્ય કારણ ગામડાઓમાં ટેસ્ટીંગ થતું નથી. ટેસ્ટીંગ ન થવા પાછળ કીટનો અભાવ હોવાનું બહાર આવ્યુ છે. દિવ્ય ભાસ્કરની ટીમે જૂનાગઢ અને ગિર સોમનાથના પીએચસીમાંથી વિગતો મેળવી હતી. અહીં પ્રથમ તો ટેસ્ટીંગ કીટની ઘટ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ દવાની ઘટ તો ક્યાંક સ્ટાફનો પણ અભાવ છે.

ટેસ્ટીંગ ન થવાના કારણે કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિ ગામમાં છૂટથી ફરે છે. અને બીજાને પણ સંક્રમિત કરી રહ્યા છે. આ ઉપરાંત જેને પોઝિટીવ આવ્યો છે તેને દવા આપી હોમ આઇસોલેટ કરી દેવાય છે. બાદ ગામડામાં તેને કોઇ ઓક્સિજન લેવલ એ અન્ય કોઇ પુછપરછ માટે તબીબી ટીમ આવતી નથી. કારણકે, તબીબી ટીમની એટલી ઘટ છેકે, દરેક જગ્યાએ પહોંચી શકે એમ નથી. પરિણામે લોકો મોતને ભેટી રહ્યા છે.

સુત્રાપાડા : ઓક્સિજન, રેગ્યુલેટરની ઘટ
સુત્રાપાડા સીએચસીમાં ઓપીડી ચાલુ છે. અહીં ઓક્સિજન સિલીન્ડર અને રેગ્યુલેટરની ઘટ છે. તેમજ ટેસ્ટીંગ કીટ ઓછી માત્રામાં આવે છે. આ ઉપરાંત કોવિડ સિવાયના અન્ય નિદાન બંધ છે.

વેરાવળ : નર્સીંગ સ્ટાફની ઘટ
વેરાવળ સિવીલમાં વેઇટીંગમાં દર્દી છે. સ્ટાફની ઘટ છે. ઓક્સિજ અને રેમડેસિવીર સમયસર મળતા નથી. અન્ય રોગના તબીબો પણ કોવિડમાં રોકાયેલા છે. તેમજ ટેસ્ટીંગ કીટ પણ નથી.

પ્ર.પાટણ : ઓક્સિજન, વેન્ટીલેટર નથી
પ્રભાસપાટણ સીએચસીમાં ઓક્સિજન અને વેન્ટીલેટરની ઘટ છે. આ ઉપરાંત સ્ટાફની પણ ઘટ છે. અન્ય રોગ માટે પણ ઓપીડીની કોઇ વ્યવસ્થા નથી. તેમજ કોરોના ટેસ્ટીંગ કીટ પણ ઘટ રહે છે.

ઊના : 4 થી 5 દિવસે માત્રને માત્ર 200 કીટ જ આવે
ઊનામાં નર્સીંગ સ્ટાફની ઘટ છે. ઓક્સિજન જરૂરિયાત મુજબ કોડીનારથી આવે છે. દર 4-5 દિવસે 200 કીટ આવે છે. કેબિનેટ મંત્રી, સાંસદ 700 કીટ આપી ગયા છે. સિવીલમાં કોવિડ સેન્ટર ન હોવાથી બીજા રોગની ઓપીડી ચાલુ છે.

કેશોદ : ટેસ્ટીંગ કીટની ઘટ
કેશોદ સીએચસીમાં જૂના મહેકમ પ્રમાણે પણ સ્ટાફમાં એકની ઘટ છે. નવા મુજબ તો ભરતીજ નથી થઇ. તેમજ એક સીએચસી, એક અર્બન, 5 પીએચસી વચ્ચે માત્ર 100 થી 150 જ રેપિડ અને આરટીપીસીઆર કીટ મળે છે.

માણાવદર : દવાનો અભાવ
માણાવદર સીએચસીમાં રોજ અન્ય રોગોની 300 ની ઓપીડી રહે છે. અહીં દવાની ઘટ છે. જોકે, માણાવદર સીએચસીમાં ટેસ્ટીંગની ઘટ નથી. તેમજ કોવિડની ફક્ત આઉટડોર ફેસિલીટી છે. હાઇરીસ્કવાળાને જૂનાગઢ રીફર કરાય છે.

વ્યવસ્થાને લઇ ગિર-સોમનાથ જિલ્લાના બે ભાગ કર્યા : હવે ફરિયાદ નહીં આવે

ત્રણ દિવસમાં 16 સેન્ટરની કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી, જવાહર ચાવડા, કેબિનેટ મંત્રી

Q : કોવિડ સેન્ટરો શરૂ કર્યા ત્યાં ઓપીડી બંધ છે. તો સાઇક્લોન સેન્ટરોમાં કોવિડ સેન્ટર અથવા કામચલાઉ દવાખાનાની માંગ છે.

A : ડોક્ટર અને સ્ટાફ ક્યાંથી લાવવા એ પ્રશ્ન છે. એક સેન્ટરમાં 3 ડોક્ટર અને દરેકના અંડરમાં નર્સીંગ સહિતનો સ્ટાફ જોઇએ. આટલા બધા ક્વોલિફાઇડ માણસો ક્યાંથી લાવવા?

Q : તમારી ગઇકાલની મુલાકાતમાં તમારા લેવલની કેવી સમસ્યાઓ સામે આવી ? એ માટે શું સુચના આપી ?

A : સામાન્ય બાબતો જ હતી. નર્સીંગ જેવા સ્ટાફની ભરતી માટે સુચના આપી. બાકી બધે ડોક્ટરો અને સ્ટાફને પ્રોત્સાહિત કર્યા.

Q : વેરાવળમાં રેમડેસિવીર અને ઓક્સિજનની ઘટ છે ? અન્ય સેન્ટરોમાં પણ ઓક્સિજનની અછત છે ?

A : દવા અને ઓક્સિજન સહિતની વિતરણ વ્યવસ્થામાં ગિર-સોમનાથ જિલ્લાના બે ભાગ કરી નાંખ્યા એવી સીસ્ટમ બનાવી છે. અને હવે કાલથી ક્યાંય ફરિયાદ નહીં રહે. રેમડેસિવીરમાં તો એમડી ડોક્ટર સિવાયના કોઇ પ્રિસ્ક્રાઇબ ન કરી શકે. છત્તાંય હજી બીજા રાઉન્ડની મુલાકાત લેવાનો છું.

Q : નર્સીંગ સ્ટાફ માટે શું ?

A : અત્યારે તો જે ભણતા હોય તેમને પણ ડ્યુટી પર બોલાવ્યા છે. પણ ક્વોલિફાઇડ માણસો મળવા પણ જોઇએને. છત્તાંય અધિકારીઓને ભરતી માટેની છૂટ આપી છે.

Q : માણાવદર સીએચસીમાં દવાની ઘટ છે ?

A : ત્યાં દવાનો પૂરતો જથ્થો પહોંચાડી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...