બીજી લહેર સમાપ્ત થઇ ગઇ છે અને ત્રીજી લહેર આવવાની નથી. એવું સમજી બિન્દાસ હરતા-ફરતા લોકો માટે લાલબત્તીરૂપ કોરોનાનાં કેસ સામે આવી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો જાણે વિસ્ફોટ થયો હોઇ તેમ એક જ દિવસમાં 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કોરોનાની બીજી લહેરની સમાપ્તિ બાદ લાંબા સમય પછી જૂનાગઢમાં કોરોના પોઝિટીવ કેસ દેખાયા છે. 2 નવેમ્બરનાં રોજ જૂનાગઢ સિટીમાં ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.
દરમિયાન ત્રણ કેસમાં જૂનાગઢ મહાનગરપાલિકાનાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. જે કોરોનાનો શિકાર બન્યા છે. જૂનાગઢ સિટીમાં ત્રણ કેસ ઉપરાંત મેંદરડા તાલુકામાં પણ કોરોનાનાં બે કેસ નોંધાયા છે. જયારે માંગરોળમાં એક કોરોના પોઝિટીવ કેસ નોંધાયો છે. આમ, દિવાળીનાં તહેવાર પૂર્વે જ કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. હાલ દિવાળીનાં તહેવારોને લઇ લોકો ખરીદી માટે નિકળી રહ્યા છે. અને મોટી ભીડ કરી રહ્યાં છે. જે ભીડ આગામી સમયમાં કોરોના વિસ્ફોટમાં પરિણમી શકે છે.બજારમાં નિકળનાર લોકો પણ સાવચેત થઇ જવાની જરૂર છે.
કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની જરૂર છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું સંપૂર્ણપણે પાલન નહીં કરનાર વ્યક્તિ કોરોનાનો શિકાર બની શકે છે. આ સાથે કોરોના વેકસિનનાં બંને ડોઝ લઇ લેવા જરૂરી છે. કોરોનાની બીજી લહેરની સમાપ્તિ બાદ અનેક લોકો બિન્દાસ બની ગયા છે. વળી, ત્રીજી લહેર આવવાની નથી એવું મનમાં નક્કી કરીને બીનજરૂરી રીતે બજારમાં આંટાફેરા કરી રહ્યાં છે. આવા લોકો પોતાનું અને પોતાનાં પરિવાર માટે પણ કોરોના મહામારીનું સંક્મણનું જોખમ ઉભુ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
જૂનાગઢ, કેશોદ, મેંદરડા, માંગરોળ સહિતનાં તાલુકાઓ કોરોના કેસની ઝપટમાં આવી ગયા છે. જે રીતે તેજ ગતિથી કેસ વધી રહ્યાં છે. તે જોતા લોકોએ સાવચેત જવાની ખાસ જરૂર છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં 2 નવેમ્બરે 416 લોકોને વેક્સિનેશન કરાયું હતું. જયારે ગ્રામ્ય પંથકમાં 14677 લોકોને કોરોના વેક્સિનેશન કરાયું છે. આમ, એક જ દિવસમાં 15093 લોકોને કોરોના વેક્સિનેશન કરાયું છે.
જિલ્લામાં 9 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 23 લોકો કેદ થયા
કોરોનાનાં કેસ વધતાની સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં હાલ 9 કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 9 ઘરનાં 23 લોકો કેદ થયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.