કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ બાદ ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કેસોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો નોંઘાઈ રહ્યો છે. દરમ્યાન ત્રણ દિવસ પૂર્વે રવિવારે વેરાવળમાં મેરેથોનના કાર્યક્રમમાં ભાજપના નેતાઓની હાજરીમાં હજારોની ભીડ એકત્ર કરાઈ હતી. આ કાર્યક્રમ બાદ બે દિવસથી વેરાવળમાં સતત કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દરમ્યાન આજે વેરાવળમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે. અને ત્રીજી લહેરના પ્રારંભ બાદ આજે પ્રથમ વખત વેરાવળમાં સર્વોચ્ચ 35 કેસો નોંધાયા છે.
આજે વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ વધ્યો હોય તેમ કુલ 38 જેટલા નવા કેસો સામે આવ્યા છે. આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 35, સુત્રાપાડામાં 1, ઉનામાં 1 અને તાલાલામાં 1 કેસ નોંઘાયો છે. જિલ્લામાં ગઈકાલ બાદ આજે ડબલ કોરોનાના કેસો આવતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો આજે ગીર સોમનાથ જીલ્લામાં 5153 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જીલ્લામાં કન્ટેટમેન્ટ ઝોનમાં 115 ઘરો અને 569 લોકો છે. હાલ ગીર સોમનાથ જીલ્લામાં આજે એન્ટીજન 399 અને RTPCR 1926 મળી કુલ 2325 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે 113 એકટીવ કેસો છે જે પૈકી મોટાભાગના હોમ આઇસોલેટ છે. જિલ્લામાં કોરોનાનો પોઝીટીવિટી રેટ 1.63 ટકા જેટલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.