યાત્રાઘામ સોમનાથ સાંનિધ્યે ત્રણ નદીઓના સંગમ એવા પવિત્ર ત્રિવેણી ઘાટમાં અસ્થિ વિસર્જન અને પિંડદાન વિઘિના અસ્થિ તથા પૂજાપાની સમગ્રી પઘરાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું આજથી અમલમાં આવતા હોબાળો મચી ગયો છે. તંત્ર દ્વારા બહાર પાડેલા જાહેરનામાનો સ્થાનિક તીર્થ પુરોહિત દ્વારા વિરોધ કરવામા આવ્યો છે તો તંત્ર દ્વારા નદી પ્રદૂષિત થઈ રહી હોય NGTના આદેશના પગલે આ નિર્ણય લેવાયો હોવાનો દાવો કરાયો છે. જો કે, તીર્થ પુરોહિત દ્વારા આ જાહેરનામું પરત ના ખેંચાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
જગવિખ્યાત સોમનાથ મંદિર સાંનિધ્યે આવેલ હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓના સંગમ સ્થળ એવા પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર કૃષ્ણ ભગવાનએ સ્વંયમ પોતાના સ્વજનોને લઇ ત્રિવેણી સંગમ ઘાટએ આવી પિંડદાન કરેલ હોવાનું શાસ્ત્રોમાં વિદિત છે. તે પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં આજથી અસ્થિવિસર્જન અને પિંડદાનની પૂજાવિઘિનો ફૂલ, પૂજાપો અને અસ્થિ પઘારવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા બહાર પાડવામાં આવેલ છે.
જાહેરનામાનો આજથી સોમનાથ ટ્રસ્ટની સિક્યુરિટી દ્વારા અમલવારી કરાવવામાં આવતા અસ્થિવિસર્જન અને પિંડદાન વિઘિ કરતા સ્થાનીક તીર્થ પુરોહિતો દ્વારા હોબાળો મચાવ્યો હતો. જેના પગલે થોડો સમગે વાતાવરણ ગરમાતા બંન્ને પક્ષો સામ સામે આવી જતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારે રોષે ભરાયેલા તીર્થ પુરોહિતો દ્વારા ત્રિવેણી ઘાટ પર બેસી મંત્રોચ્ચાર શરૂ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. બાદમાં તીર્થ પુરોહિતોનું પ્રતિનિઘિ મંડળએ જીલ્લા કલેકટરને રૂબરૂ મળી જાહેરનામાની અમલવારી અટકાવવા માંગણી કરી છે.
NGTની સૂચના બાદ પ્રતિબંધ મુકવામા આવ્યો- વિજયસિંહ ચાવડા
આ મામલે સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા એક પત્રથી જણાવેલ કે પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીનું જળ ખૂબ જ પ્રદૂષિત છે. જેથી નદીનું જળ વઘુ પ્રદૂષિત ન થાય તે અટકાવવા માટે પગલાં લેવા NGTએ સુચના આપી છે. જેથી નદી પ્રદૂષિત થતી અટકાવવાના હેતુસર ટ્રસ્ટે કલેકટરને વિનંતી કરી હતી. જેના આઘારે કલેકટર દ્રારા પ્રતિબંઘ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલ છે.
લોકોની આસ્થા જળવાઈ રહે તે માટે ઘાટ પર કુંડ મુકવામા આવ્યો
જાહેરનામા મુજબ હવેથી પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં ફુલ, પુષ્પો, પૂજાપો, નાળીયેર, કપડા કે અસ્થિઓનું વિર્સજન કરવા પર પ્રતિબંઘ ફરમાવવામાં આવેલ છે. લોકોની આસ્થા જળવાઇ રહે તે માટે ત્રિવેણી ઘાટ પર કુંડ મુકવામાં આવેલ છે. જેમાં લોકો અસ્થિનું વિર્સજન કરે તેવી અપીલ છે. આ બઘુ ફકતને ફકત પવિત્ર ત્રિવેણી નદી વઘુ પ્રદૂષિત ન બને તે માટે કરવામાં આવ્યુ છે. જેમાં સ્થાનીક તીર્થ પુરોહિતોની લાગણી દુભાવવાનો ટ્રસ્ટનો કોઇ આશ્રય નથી.
તીર્થ પુરોહિતોએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
સોમપુરા બ્રહમસમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટે જણાવેલ કે, પીંડદાન અને અસ્થિ વિર્સજન કરવાથી કોઇપણ જાતનું પ્રદૂષણ ફેલાતુ નથી. પીંડ એ જળચર માછલીના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. અસ્થિમાંથી જળચર પ્રાણીને કેલ્શિયમ મળે છે. સમગ્ર ભારતના તીર્થ સ્થાનોમાં શાસ્ત્રોકત વિઘિથી પોતાના સ્વજનો (પિતૃઓ)ના અસ્થિવિર્સજન અને પિંડદાન કરાવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટી અને પૂર્વ વડાપ્રઘાન મોરારજીભાઇ દેસાઇ, અટલ બિહાર વાજપેયજી અને હાલમાં ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલના નિઘન બાદ અસ્થિઓનું આ જ ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં પઘરાવવામાં આવેલ હતા.
દૂર દૂરથી મોટી સંખ્યામાં યાત્રિકો પોતાના સ્વજનોના અસ્થિ પઘરાવવા અને પિંડદાન કરવા માટે સદીઓથી ત્રિવેણી સંગમ ઘાટે આવી રહ્યા છે. જેથી પ્રતિબંઘ ફરમાવતું જાહેરનામાની અમલવારી અટકાવવાની માંગણી છે. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો ના છુટકે આવતીકાલ સવારથી તીર્થ પુરોહિતો પરીવાર સાથે ત્રિવેણી સંગમના ઘાટ પર અનિશ્ચીત સમય માટે ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.