કેશોદના સોની વેપારીએ વિશ્વાસ રાખીને લોએજ ગામના ગ્રાહકને લગ્નમાં પહેરવા માટે સાડા પાંચ લાખની કિંમતના સોનાના દાગીના આપ્યા હતા. જે બાદમાં ગ્રાહકે દાગીના પરત કર્યા ન હતા તેમજ તેના પૈસા પણ આપ્યા ન હતા. જેથી છેતરાયેલા સોની વેપારીએ ફરીયાદ કરતા કેશોદ પોલીસે લોએજના શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ શહેરમાં પીપળેશ્વર મંદિરની બાજુમાં રહેતા અને સોની બજારમાં એ.જે. જવેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી અશોક જમનાદાસ સામતાની દુકાને માંગરોળ તાલુકાના લોએજ ગામે રહેતા દેવશી નાથાભાઈ નંદાણીયા છ વર્ષથી સોનાના દાગીના બનાવવા આવતા હતા. આ દરમિયાન ગત તા.11-2-2022 ના દેવશીભાઈ લગ્નમાં પહેરવા માટે સોનાનો ચેઇન અને લક્કી બનાવવા માટે અશોકભાઈની દુકાને આવ્યાં હતા. જેથી અશોકભાઇની દુકાનમાં કામ કરતા સ્ટાફે ચેઈન અને લક્કી બતાવી હતી. જેમાંથી પસંદ કરેલા દાગીના સાડા ત્રણ લાખની કિંમતની થતા હોય જે અંગે દેવશીએ પોતાના બજેટ બહાર હોવાનું અને અત્યારે મારા ભત્રીજાના લગ્ન હોવાથી દાગીના પછી બનાવીશ એમ જણાવ્યું હતું.
તેમજ કહ્યુ કે, બે દિવસ પૂરતા સોનાનો ચેઇન અને લક્કી આપો બે દિવસમાં પરત આપી જઇશ તેમજ મારા બાને પહેરવા માટે બે તોલા સોનાની માળા બનાવી આપો તેના પૈસા હું આપી જઈશ એમ કહી સોની વેપારીને વિશ્વાસમાં લઇ દેવશીભાઈ નંદાણીયા રૂ.1.65 લાખની કિંમતનો સોનાનો ચેઇન, રૂ.2.58 લાખની કિંમતની સાડા પાંચ તોલાની લક્કી અને રૂ 1.13 લાખની કિંમતની બે તોલાની માળા મળી કુલ રૂ.5.36 લાખના દાગીના લઈ ગયા હતા. જે બાદમાં પરત આપ્યા ન હતા. જેથી સોની વેપારી અશોકભાઈએ ફોન કરી દાગીના પરત આપવા કહેતા મારા કાકાનો દિકરો પહેરી ગયો છે અને તે હનીમુનમાં ગયો હોવાથી આવે એટલે આપી જઈશ એમ કહ્યું હતું. બાદમાં પણ અલગ અલગ બહાના કર્યા હતા પરંતુ દાગીના કે પૈસા આપવા આવ્યા ન હતા. જેથી આ અંગે સોની વેપારી અશોકભાઈ સામાતાએ ફરીયાદ કરતા પોલીસે લોએજના દેવશી નાથા નંદાણીયા સામે છેતરપિંડીનો ગુનો નીંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.