નિમિષ ઠાકર
વિકાસ આંધળો પણ નહીં કરવાનો. જૂનાગઢ નગરપાલિકા વખતથી અને ત્યાર પછી અગાઉના શાસકોએ ખડકી દીધેલા વોંકળા પરના બાંધકામો જોષીમઠ જેવો વિનાશ પણ નોતરી શકે. તો જૂનાગઢ મનપાના અત્યારના શાસકો પાસેથી પણ કોઇ ખાસ આશા રાખી શકાય તેમ નથી. તેમની પાસે વિકાસની જાણે કોઇ દિશાજ નથી એમ લાગે છે. સરકાર મનપાને ખુબધ પૈસા આપે છે પણ એ દેખાતા નથી. તળાવનું બ્યુટીફિકેશન આ ત્રીજી વખત થાય છે. પણ પહેલાં પાણીની લાઇન, પછી ગટરની લાઇન અને પછી રસ્તાનાં કામ કરોને. આયોજનબદ્ધ રીતે કરો તો કામ દેખાય.
રસ્તા તો આગામી 6 થી 8 મહિનામાં તોડવાની તૈયારી સાથેજ બને છે. આવી છાપ ઉભી થઇ ગઇ છે. સૌથી પહેલાં તો સેટઅપ મુજબ પૂરતા ક્વોલિફિકેશનવાળા માણસોની ભરતી કરો. નગર ઇજનેર ક્વોલિફાઇડ નહોતો એ બધાને ખબર હતી પણ કેટલા વર્ષો રહ્યો? આ શબ્દો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ આવે ત્યારે જેમને પગે લાગે છે એવા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનાં. તેઓએ દિવ્ય ભાસ્કર સમક્ષ મનપાની નિતીરિતી અંગે વ્યથાપૂર્વક જણાવ્યું હતું કે, ત્યાં (મનપા) માં બેઠેલા લોકોના મગજમાં કલ્પના છેકે, મારું જૂનાગઢ કેવું હોવું જોઇએ? તેની આવશ્યકતા શું છે? 1967 થી 1972 વચ્ચે જનસંઘની નગરપાલિકા હતી ત્યારે વિલીંગ્ડન ડેમમાંથી કાંપ કાઢવાનું નક્કી થયું.
પાલિકા કાંપ ન કાઢી શકે. પણ એવું નક્કી થયું કે, ગાડૂં ભરીને કાંપ લઇ જાય તેને 5 રૂપિયા અને ટ્રક ભરીને લઇ જાય તેને 15 રૂપિયા નગરપાલીકા ચૂકવે. અને એ રીતે કાંપ નીકળી ગયો. જૂનાગઢમાં 2004-05 માં કુવાનો સર્વે થયો હતો. એના પાણીનો ઉપયોગ શા માટે ન કરી શકાય? 1965-66 વચ્ચે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું ત્યારે 6 મહિના માટે જનસંઘની બોડી બની હતી. એ વખતે ભોંયવાડામાં અને એવા વિસ્તારોમાં કપડાં ધોવાની ચોકડી અને પાણીના સ્ટેન્ડ બનાવી દીધા હતા. આવા નાના કામ કરો તો પણ લોકોની સગવડો વધી જાય. એ રીતે પથિકાશ્રમ બનાવી શકાય. અને એમાં મકાન બનાવવાની જરૂર નથી.
એજી સ્કુલ જેવા ઘણા બિલ્ડીંગો ખાલી જ છે. એમાં સુવિધા ઉભી કરીને ઉતારો આપી શકાય. એ રીતે સિવીલ હો સ્પિટલમાં દાખલ દ ર્દીઓના સગાઓને રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરી શકાય. કહેવાનું તાત્પર્ય એ છેકે, તમે એકવાર દિશા તો પકડો. નવા વિસ્તારમાં ક્યાંય બાળ ક્રિડાંગણ નથી. જોષીપુરાની પાછળ સ્મશાન બનાવવાની વાત તો 12 વર્ષ પહેલાં થઇ હતી.
આજથી દાયકાઓ પહેલાં પાલીકાના અધિકારીઓમાં ખાવાની ભાવના નહોતી. આજે એકલા અધિકારીઓને દોષ દેવાની જરૂર નથી. ચૂંટાયેલા લોકો પણ તેમાં ભેગા છે. રાજકોટમાં ખોરાકમાં ભેળસેળના કેસો થાય તો જૂનાગઢમાં કેમ ન થાય? ટુંકમાં ઘણા એવા નાના કામો પણ છે જેની અસર બહુ મોટી પડી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.