વેરાવળ શહેરમાં અજમેરી સોસાયટીમાં સાર્વજનિક જગ્યામાં રૂ.5 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટમાથી રૂ.5.62 લાખના ખર્ચે આધુનિક એમ્બ્યુલનું લોકાર્પણ કરી ભીડીયા વિસ્તારને ફાળવવામાં આવી છે.
સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાની વર્ષ 2021-22 ની ગ્રાન્ટમાથી વેરાવળ શહેરના વોર્ડ નં.5 માં આવેલા અજમેરી સોસાયટીમાં રૂ.5 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ મંજૂર કરાવ્યું છે. જેથી આ વિસ્તારના લોકોને લગ્ન સહિતના વિવિધ નાના મોટા પ્રસંગો તથા બાળકોને ભણવા તથા રમવામાં ઉપયોગ થઇ શકે તેવા હેતુથી આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. તાજેતરમાં આ હોલ બનાવવાના કામનું ધારાસભ્ય વિમલ ચુડાસમાના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાથી ભીડીયા વિસ્તાર માટે રૂ.5.62 લાખના ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ભીડીયા અને અર્બન સેન્ટરની આજુબાજુના કેન્દ્રને લાગુ પડતાં ગામડાઓના લોકોને કોરોના જેવી મહામારી કે અન્ય બીમારીમાં ઇમરજન્સી સુવિધા મળી રહે તેવા હેતુથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જયકર ચોટાઇ, પટણી સમાજના પટેલ નુરદીનભાઇ પટેલ, સલિમ પંજા, ફારૂક પેરેડાઇઝ, ભીડીયા કોળી સમાજના પટેલ રમેશભાઇ, ખારવા સમાજના પટેલ હીરાભાઇ, માજી કોળી સમાજના પટેલ ધનજીભાઇ વૈશ્ય, જેન્તિભાઇ સોલંકી, અશોકભાઇ ગદા, ભીખુભાઇ ગઢીયા, દીપકભાઈ ખોરાબા, લલિતભાઈ ફોફંડી, રાજ ગંગદેવ સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.