ક્રાઇમ:રિટાયર્ડ થનાર સફાઇ કામદારના 55 લાખ રૂપિયા પડાવી લેવા કારસ્તાન

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની ફરિયાદ બાદ પોલીસે તમામ ડોકયુમેન્ટ પરત અપાવ્યા
  • માથાભારે શખ્સે દારૂ પીવરાવી નોટરી કરાવી લીધી

નિવૃત્ત થનાર સફાઇ કર્મીના 55 લાખ પડાવી લેવા માથાભારે શખ્સે કારસ્તાન કર્યું હતું. જોકે, પરિવારની ફરિયાદ બાદ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કરેલી કાર્યવાહીના કારણે પરિવારની અડધા કરોડની રકમ બચી જવા પામી છે.આ અંગે મળતી વિગત મુજબ વાલ્મિકી વાસમાં રહેતા અને સફાઇ કામદાર તરીકેની કામગીરી કરનાર મહિલાના પતિનું અવસાન થતા તેઓ પોતાના પુત્ર અને જેઠની સાથે રહેતા હતા. જેઠ પણ સફાઇ કર્મી છે પરંતુ પીવાની આદતથી મજબૂર છે. આ મજબૂરીનો એક માથાભારે શખ્સ ફાયદો ઉઠાવતો હતો.

તે સફાઇ કર્મીના આધારકાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ, ચેકબુક વગેરે પોતાની પાસે રાખી ઘણા વર્ષોથી સફાઇ કર્મીનો પગાર ઉપાડી લેતો હતો. દરમિયાન મે મહિનામાં જેઠ રિટાર્યડ થનાર હોય તેને 55 લાખ મળવાના હોય તે મેળવવા માથાભારે શખ્સે સફાઇ કર્મીને દારૂ પાઇ નોટરી કરાવી નિવૃત્તિ સમયે મળનાર અડધો કરોડની રકમ પોતાને મળે તેવી એફિડેવિટ પણ કરાવી લીધી હતી. આ મામલે સફાઇ કર્મીના વિધવા ભાભી રજૂઆત કરવા જતા આ શખ્સે જણાવ્યું હતું કે, ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા, તારા જેઠે મને રૂપિયા મળવાનું એફિડેવીટ કરી આપ્યું છે.

ત્યારે આ મામલે સફાઇ કર્મી વિધવા મહિલાએ તેના દિકરા અને સમાજના આગેવાનો સાથે આવી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનેપોતાની વ્યથા વર્ણવી અડધો કરોડની રકમથી હાથ ધોવાનો વારો આવવાની દહેશત વ્યકત કરી હતી. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ એ ડિવીઝન સ્ટાફને મોકલી માથાભારે શખ્સને બોલાવી પોલીસની ભાષામાં જ્ઞાન આપતા તેણે આધારકાર્ડ, પાસબુક, એટીએમ કાર્ડ ચેકબુક વગેરે ડોક્યુમેન્ટ પરત કર્યા હતા.એટલું જ નહિ નિવૃત્તિ સમયે મળનાર રૂપિયા સાથે પોતાને કંઇ લેવા દેવા ન હોવાનું સોગંદનામું લખી આપ્યું હતું. આમ, પોલીસની દરમિયાનગીરીથી એક વિધવા મહિલા અને તેના પરિવારની અડધો કરોડની રકમ બચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...