તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વેરાવળ-સોમનાથમાં પીવાના પાણી વિતરણ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની વ્યવસ્થા નિયમિત ના થાય તો કૉંગ્રેસે આંદોલનની ચીમકી આપી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૉંગ્રેસી આગેવાનોએ નગરપાલિકાના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં અઠવાડીયે પીવાનું પાણી વિતરણ થતુ હોવાથી લોકો વલખા મારી રહયા છે ત્‍યારે તે એકાંતરે કરવા અને વરસાદ પડે તે પહેલા ગટરો તળીયા ઝાટક સાફ કરાવવા અને શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની નબળી થઇ રહેલ કામગીરી સુઘારી નિયમિત કરવા અંગે શહેર કોંગ્રસે અને કોંગી નગરસેવકોએ પાલીકા પ્રમુખને રૂબરૂ મળી લોકોની વેદના રજુ કરતુ આવેદન પત્ર પાઠવી સત્‍વરે સમસ્‍યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે. જો ત્રણ દિવસમાં પીવાના પાણીની સમસ્‍યા હલ નહીં થાય તો ના છુટકે આંદોલન કરવાની અથવા કોર્ટના દ્રાર ખખડાવીની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્‍ચારી છે.

જોડીયા શહેરના લોકો વેઠી રહેલ મુશ્‍કેલીને વાચા આપવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્‍દ્ર મોતીવરસના નેજા હેઠળ આગેવાનો-કાર્યકરોએ આવેદનપત્ર પાલિકાને પાઠવેલ હતુ. જેમાં જણાવેલ કે, હાલ કાળાઝાળ ગરમી પડી રહી છે તેવા સમયે જોડીયા શહેરમાં 7 થી 8 દિવસે પીવાનું પાણી વિતરણ થઇ રહયુ છે અને એ પણ ડહોળુ અને ગંદુ પાણી લોકો સુઘી અપૂરતુ પહોંચે છે. જેના કારણે ઉનાળાના આકરા તાપમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહેલ છે.

ગંદુ-ડહોળુ પાણી વિતરણ થતુ હોવાથી પાણીજન્‍ય રોગોમાં લોકો સપડાવવાનો ખતરો ઉભો થયો છે. તો શહેરના છેવાડાના અને પછાત વિસ્‍તારોમાં કે જેમાં ગરીબ-મજૂર વર્ગના લોકો રહે છે ત્‍યાં આઠ દિવસ ચાલે તેટલુ પાણી કંઇ રીતે સંગ્રહ કરવો તે મોટો પ્રશ્નો ઉભો થયો છે. જેના કારણે આ વર્ગના લોકોને દરરોજ બઘા કામો મુકી પાણીના એક-એક બેડા માટે ભટકવું પડી રહયુ છે. તાજેતરમાં જ ફીલ્‍ટર પ્‍લાન્‍ટનું લોકાપર્ણ થયુ હોવા છતાં ડહોળુ પાણી કેમ વિતરણ થાય છે ? તે સમજાતુ નથી. આ બાબતે ઘટતુ કરી શહેરીજનોને એકાંતરે નિયમિત પુરતુ પાણી આપવા માંગણી છે.

વઘુમાં તાજેતરમાં જ વરસાદી ઝાપટુ આવતા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડેલ હતો. જેથી ચોમાસુ પુર્ણ રીતે બેસે તે પહેલા યુઘ્‍ઘના ઘોરણે તમામ ગટરો તળીયા ઝાટક સાફ કરાવી જરૂરી છે. જો પાણી ભરાવવાના કારણે કંઇ બનશે તો તેનું જવાબદાર પાલીકા તંત્ર રહેશે. શહેરના તમામ વોર્ડો-વિસ્‍તારો ગંદકીથી ખદબદી રહયા છે. કારણ કે, શહેરના મોટાભાગના વિસ્‍તારો-બજારોમાં કચરા કલેકશનની ગાડી આવતી જ નથી અને અમુક વિસ્‍તારોમાં અનિયમિત આવે છે તો પુરતો કચરો લોકો પાસેથી લેતી નથી.

શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેકશનની કામગીરી નિયમોનુસાર નિયમિત ન થતી હોવા છતાં દર મહિને લાખોની રકમ એજન્‍સીને ચુકવાય છે. જેમાં મોટો ભ્રષ્‍ટાચાર થતો હોવાની શંકા હોય તપાસ થવી જોઇએ. જો અમારી ઉપરોકત લોકોની વેદનાનો સમયસર ઉકેલ નહીં આવે તો કોંગ્રેસને ગાંઘી ચિંઘ્‍યા માર્ગે આંદોલન્‍તમક પગલા ભરવાની અને કોર્ટના દ્રાર ખખડાવવાની ફરજ પડશે તેવી અંતમાં કોંગી આગેવાનો-નગરસેવકોએ ચિમકી ઉચ્‍ચારી છે.

આ અંગે પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ જણાવેલ કે, ડેમમાં રીપેરીંગ કામના કારણે અપૂરતુ પાણી હોવાથી મુશ્‍કેલી સર્જાય છે. તેના વિકલ્‍પ રૂપે મહી પરી યોજનાની લાઇનમાંથી નર્મદાનું પાણી મેળવવા પ્રયાસ કરેલ છે. પરંતુ મહીની લાઇન બે જગ્‍યાએ લીકેજ હોવાથી ખાસો સમય બગડયો હોવાથી પાણી વિતરણનું ટાઇમટેબલ ખોરવાયુ છે. હાલ યુઘ્‍ઘના ઘોરણે લાઇન લીકેજનું કામ કરાવી રહયા છે. સંભવત: ત્રણેક દિવસમાં શહેરમાં પાણી નિયમિત થઇ જશે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...