ત્રિપાંખીયો જંગ જામશે:ગીર-સોમનાથની 2 અને જૂનાગઢ જિલ્લાની 3 બેઠક પર કોંગ્રેસની રિપીટ થિયરી, કેશોદ-વિસાવદરમાં નવા ચહેરા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠ પંથકની બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે
  • ​​​​​​​5 વિધાનસભા બેઠક માટે 266 ફોર્મ ઉપડ્યા, 23 પરત : 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

જૂનાગઢની પાંચ અને ગીર-સોમનાથની કુલ 9 બેઠક પર બે દિવસ પહેલા ભાજપે ઉમેદવારો જાહેર કર્યા હતા. જો કે, બાદમાં બીજા દિવસે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. અમુક બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી વચ્ચે સીધો જંગ જામશે. આ ઉપરાંત આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા તાલાલા અને કોડીનાર બેઠક પર કોઈ ઉમેદવારની જાહેરાત કરાઈ નહોતી.

તાલાલા, કોડીનાર બેઠક પર ઉમેદવારો જાહેર ન થયા
જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય ભીખાભાઇ જોષી ફરી રિપીટ થયા
​​​​​​​કોંગ્રેસે જૂનાગઢ વિધાનસભા બેઠક માટે રિપીટ થિયરી અપનાવી સિટીંગ ધારાસભ્ય ભીખાભાઇ જોષીને ટિકીટ આપી છે. ભીખાભાઇ જોષીએ ગત ટર્મમાં મહેન્દ્રભાઇ મશરૂને હરાવી 6,100 મતની લીડથી જીત મેળવી હતી. 1967માં મેંદરડા તાલુકાના અમરાપુર(કાઠી)ના સરપંચ બની રાજકારણમાં ઝંપલાવ્યું હતું. છેલ્લા 55 વર્ષથી તેઓ સક્રિય રાજકારણમાં છે.

વેરાવળ - સોમનાથના ધારાસભ્યને ફરી ટીકીટ અપાઈ
વેરા‌વળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને રીપીટ કરાયા છે. 22 વર્ષની ઉંમરે જ નગર સેવક બન્યા હતા. અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે તેમજ ચોરવાડ પાલિકામાં વિપક્ષ નેતા તરીકે 5- 5 વર્ષ રહ્યાં હતા. બાદમાં પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. વર્ષ-2017માં 20 હજારથી વધુ મતની લીડથી જીત્યા હતા. આ ઉપરાંત અખીલ ભારતીય કોળી સમાજમાં પણ જનરલ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

વિસાવદર - વિસાવદરમાં જિ.પં.સદસ્યાના પતિને ટિકીટ
વિસાવદરમાં કોંગ્રેસે કરશનભાઈ વાડદોરીયાને ટિકીટ આપી છે. હાલ વિસાવદરમાં રહે છે. મુળ વતન મુંડીયા રાવણી ગામ છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. અને વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે. આ ઉપરાંત કરશનભાઈના પત્નિ ચંદ્રિકાબેન હાલ જિ.પં. જૂનાગઢના સદસ્ય છે. બેઠક પર હર્ષદભાઈ રીબડીયા ચૂંટણી લડતા હતા. જો કે, થોડા સમય પહેલા પક્ષ પલ્ટો કરી ભાજપમાં ભળી જતા તેમને ભાજપ દ્વારા ટિકીટ અપાઈ છે.

માણાવદર - જિલ્લા પંચાયતના સદસ્યને મેદાને ઉતાર્યા
માણાવદર બેઠક પર અરવિંદભાઈ લાડાણીને ટિકીટ અપાઈ છે અને 25 વર્ષથી કોંગ્રેસમાં છે. અને વર્ષ-2019માં પ્રથમ વખત પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં 9759 મતથી હાર થઈ હતી. હાલમાં જિલ્લા પંચાયતનાં સદસ્ય પણ છે. 2019માં કોંગી ધારાસભ્ય જવાહરભાઇ ચાવડાએ પક્ષ પલ્ટો કર્યો હતો. અને ભાજપમાં જોડાયા હતા. એ સમયે ફરી પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમની સામે આજ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

કેશોદ - પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપાધ્યક્ષ ચૂંટણી લડશે
કેશોદ બેઠક પર હિરાભાઈ અરજણભાઈ જોટવાને કોંગ્રેસે ટિકીટ આપી છે. હિરાભાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને સુપાસી ગામના વતની છે. વર્ષ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત પ્રમુખ યુવક કોંગ્રેસ વેરાવળ, કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી મહામંત્રીના હોદ્દા પર પણ રહી ચૂક્યા છે.

ઊના - 6 ટર્મથી જીતતા ધારાસભ્ય વંશને રીપીટ કરાયા
ઊના બેઠક પર કોંગ્રેસે ફરી ધારાસભ્ય પુંજાભાઈ વંશને ટિકીટ આપી છે. પુંજાભાઈ વંશ 1990માં જનતાદળમાંથી ચૂંટાયા હતા. બાદમાં જનતાદળ કોંગ્રેસમાં ભળી જતા 1995માં પણ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. જ્યારે 1998, 2002માં પણ કોંગ્રેસમાંથી વિજેતા થયા હતા. વર્ષ-2007માં ભાજપના કે.સી. રાઠોડ સામે હાર થઈ હતી. વર્ષ-2012માં ફરી ચૂંટણી લડ્યા હતા અને જીત થઈ હતી. આ ઉપરાંત વર્ષ 2017માં પણ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

માંગરોળ - માંગરોળ : પૂર્વ ધારાસભ્યને રીપીટ કરાયા

માંગરોળ- માળિયા બેઠક પર કોંગ્રેસે બાબુભાઈ વાજાને ટિકીટ આપી છે. અને બાબુભાઈ સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તાલુકા પંચાયત સદસ્ય અને 2 વખત જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત સહકારી મંડળીના પ્રમુખ પર પણ ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે વર્ષ-2014 અને 2017માં બે ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અને વર્ષ 1973થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...