કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સોમનાથની મુલાકાતે આવ્યાં હતા. વિપક્ષ નેતાએ જગવિખ્યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી. ગુજરાતના લોકોને ઉપયોગી થઈ શકે તે માટે સત્તા પરીવર્તન લાવવાના કાર્યમાં સફળતા માટે પ્રાર્થના કરી હોવાનું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. સોમનાથ મુલાકાત સમયે સ્થાનીક ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આજે સવારે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ યાત્રાધામમાં કોંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા આવી પહોચતા સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આવકાર્યા હતા. બાદમાં મંદિરે જઈ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી જળાભિષેક સાથે પૂજા-અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આ તકે વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે રાજકોટ ઝોનની કોંગ્રેસની કોર કમિટીની બેઠકમાં ભાગ લેવા સૌરાષ્ટ્ર આવી રહ્યો હોવાથી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યો છું. આગામી દિવસોમાં રાજ્યના તમામ ઝોનમાં પક્ષની કોર કમિટીની બેઠકો યોજાશે. રાજ્યમાં યુવાઓ, ગૃહણીઓ સહિત તમામ વર્ગના લોકોના સ્વપ્ન પુરા કરી શકીએ તેવા આશીર્વાદ આપવા પ્રાર્થના કરી છે. અમો આગામી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં લોકોને ઉપયોગી સરકાર બનાવવા માટે કાર્ય હાથ ધર્યું છે. જેમાં અમને સફળતા મળે તેવી મહાદેવને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા છે. વિપક્ષી નેતા રાઠવાની સોમનાથ મુલાકાત સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ સહિત કોંગી અગ્રણીઓ અને કાર્યકરો સાથે રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.